હરેકૃષ્ણ મંદિરમાં ગૌર પૂર્ણિમા મહોત્સવને લઇ તૈયારીઓ શરૂ
અમદાવાદ: હરેકૃષ્ણ મંદિર,ભાડજ ખાતે આગામી તા.૯ માર્ચ, ૨૦૨૦ ના રોજ ગૌર પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિન ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ કે જેમને ભગવાન શ્રીકૃષ્ણના છુપા અવતાર તરીકે વિશેષ માનવામાં આવે છે તેમના અવતરણનો શુભદિન છે. પૌરાણિક ગ્રંથો અનુસાર સર્વશક્તિમાન ભગવાન શ્રીકૃષ્ણ એ ભક્ત તરીકે શ્રી ચૈતન્ય મહાપ્રભુના સ્વરૂપમાં શ્રીધામ માયાપુરમાં (કલકત્તાથી ઉત્તર દિશામાં ૧૫૦ કિલોમીટર દૂર આવેલ ગામમાં) આશરે ૫૦૦ વર્ષ પહેલા અવતર્યા હતા. તેમણે કલિયુગમાં હરિનામ સંકિર્તનનો પ્રચાર કર્યો તેમજ લોકસમુદાયને ભગવાનના નામનું રટણ કરવાના કાર્યમાં મહત્વનું યોગદાન આપ્યું જે કલિયુગનો યુગધર્મ મનાય છે.
શ્રી ચૈતન્ય મહાપ્રભુ પોતાની સુવર્ણરૂપી કાયાને કારણે ગૌરાંગા તરીકે પણ પ્રસિધ્ધ છે. આ વર્ષે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુની ૫૩૪મી જન્મજયંતિ આવી રહી છે તેમજ આ ઉત્સવ ગૌડીય વેષ્ણવો માટે નવવર્ષના શરૂઆતનો નિર્દેશ કરે છે. આ દિવસે ભક્તો ચંદ્ર રાત્રે પૂર્ણપણે ખીલે ત્યાં સુધી ઉપવાસ રાખે છે. આ ઉજવણીને લઇ હરેકૃષ્ણ મંદિર, ભાડજના પ્રેસિડન્ટ શ્રી જગનમોહન કૃષ્ણ દાસાએ જણાવ્યું કે, સર્વ શક્તિમાન ભગવાન શ્રીકૃષ્ણએ જગતમાં હરિનામ સંકિર્તનનો પ્રસાર કરવા જે કલિયુગનો યુગધર્મ મનાય છે,
તેઓ જ શ્રી ચૈતન્ય મહાપ્રભુ સ્વરૂપે પ્રગટયા હતા. તેઓ ફાગણ સુદ પૂનમના શુભદિવસે વર્ષ ૧૪૮૬માં કલકત્તાથી ઉત્તર દિશામાં ૧૫૦ કિલોમીટર દૂર આવેલ શ્રીધામ માયાપુરમાં શ્રી જગન્નાથ મિશ્રા અને શ્રીમતી સચીદેવીના પુત્રસ્વરૂપે અવતર્યા હતા. તેમનો જન્મ તેમના ઘરઆગંણાની બહાર આવેલ લીમડાના ઝાડ નીચે થયો હતો, આથી તેમના માતાપિતાએ તેમનું નામ નીમાઈ રાખ્યું હતું. જગતમાં હરિનામ સંકિર્તનનો પ્રારંભ સર્વ શકિતમાન ભગવાન શ્રીકૃષ્ણ સ્વંયમ થકી કરવા ઈચ્છતા હતા
તેમજ સ્વંયમના ઉદાહરણ દ્રારા કેવી રીતે ભકિતમય સેવામાં સ્વયંએ સમર્પણ કરવું એ દર્શાવવા માંગતા હતા. આથી શ્રીમતી રાધારાની કે જે ભગવાનની સર્વોચ્ચ ભક્ત છે તેમના મનોભાવનો સ્વીકાર કરીને પોતે ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં ચૈતન્ય મહાપ્રભુના એક ભક્તરૂપે પ્રગટયા હતા. તેમના અવતરણના આ દિવસને ગૌર પૂર્ણિમા ઉત્સવ તરીકે દર વર્ષે ઉજવવામાં આવે છે. હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે તા.૯મી માર્ચે ગૌર પૂર્ણિમા મહોત્સવની ઉજવણી સાંજના ૬-૦૦ વાગ્યાથી શરૂ થશે.
ઉત્સવના ભાગરૂપે શ્રી શ્રી નિતાઈ ગૌરાંગની મૂર્તિને સુંદર વિવિધ પુષ્પોથી સુશોભિત પાલખીમાં વિહાર કરાવવામાં આવશે. ભક્તો સર્વોપરી ભગવાનને પ્રસન્ન કરવા માટે મહા સંકિર્તન કરશે. મંદિરનો દરેક ખૂણો હરેકૃષ્ણ મહામંત્રથી ગુંજી ઉઠશે. બપોરના સમયે સર્વશક્તિમાન ભગવાન શ્રી શ્રી નિતાઈ ગૌરાંગને ૧૦૮ કરતા પણ વધુ વ્યજંનોનો રાજભોગ અર્પણ કરવામાં આવશે કે જેમને મંદિર ભક્તો દ્રારા પ્રેમપૂર્વક બનાવવામાં આવશે, એ પછી રાજભોગ આરતી કરવામાં આવશે.
વિહાર બાદ ભગવાન શ્રી નિતાઈ ગૌરાંગની મૂર્તિને (ભગવાન શ્રીચૈતન્ય અને શ્રી નિત્યાનંદાને) મહા અભિષેક અર્પણ કરવામાં આવશે. ભગવાનની મૂર્તિને સર્વપ્રથમ પંચામૃત ( જે દૂધ, દહીં, ઘી, મધ અને ગોળના પાણીનુ મિશ્રણ છે) થી અભિષેક કરાવવામાં આવશે તેમજ પંચગવ્ય ( જે દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને છાણને પાણી સાથે સંમિશ્રિત કરીને બનાવેલ મિશ્રણ) થી પણ અભિષેક કરાવવામાં આવશે અને ત્યારબાદ વિવિધ ફળોના રસ દ્રારા અભિષેક કરાવવામાં આવશે. ભક્તો દ્રારા ખાસ સ્ત્રોત, બ્રહ્મસમહિતા જેની મૂળ કૃતિ શ્રીચૈતન્ય મહાપ્રભુએ કેરાલામાં તિરૂવટ્ટારમાં આવેલ આદિ કેશવા મંદિરમાંથી પ્રાપ્ત કરેલ હતી
તેના સ્ત્રોતનું રટણ કરવામાં આવશે. શ્રીલા ભક્તિવિનોદ ઠાકુર જે ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયના પરંપરા આચાર્ય છે તેમના દ્રારા રચિત ગૌરા આરતી ભક્તો દ્રારા ગાઈને મહાઆરતી ઉતારવામાં આવશે. ત્યારબાદ મૂર્તિઓને ૧૦૮ કળશના પવિત્ર જળનો અભિષેક કરાવવામાં આવશે જે દરમ્યાન ભક્તો ઋગવેદમાં વર્ણવેલ પૂરૂષસુક્તનું રટણ કરતા ભગવાનને પ્રાર્થના કરશે. ભગવાનને અભિષેક અને ભોગ ધરાવ્યા બાદ મહાઆરતી કરવામાં આવશે. પછી શ્રીચૈતન્ય મહાપ્રભુની મહત્તા દર્શાવતું ગીત શ્રીસચીતનય અષ્ટકમ સાથે ગાઈને મહા આરતી ઉતારવામાં આવશે.