Western Times News

Gujarati News

હર્ષોલ્લાસ સાથે નવા વર્ષનું સ્વાગત

અમદાવાદ: શહેર સહિત રાજયભરમાં યંગસ્ટર્સ સહિત સૌકોઇએ આજે ભારે હર્ષોલ્લાસ અને ઉમંગ-ઉત્સાહ સાથે એક નવી આશા અને ઉમંગ વચ્ચે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી કરી નવા ૨૦૨૦ના વર્ષને ઉમળકાભેર આવકાર્યું હતું અને તેના વધામણાં કર્યા હતા. શહેરના સી.જી.રોડ, એસ.જી. હાઇવે, કાંકરિયા સહિતના સ્થળોએ તો યંગસ્ટર્સ સહિત અમદાવાદીઓ કિડિયારાની જેમ ઉભરાયા હતા અને રાત્રિના બરોબર ૧૨-૦૦ના ટકોરે જારદાર ચિચિયારીઓ અને બૂમો પાડી ગુડબાય ૨૦૧૯અને વેલકમ ૨૦૨૦ કહી નવા વર્ષનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યું હતું.

બરોબર રાત્રિના ૧૨-૦૦ વાગ્યે શહેર સહિત રાજયભરમાં નાગરિકોએ ખાસ કરીને યુવા હૈયાઓએ ફટાકડા ફોડી, રંગબેરંગી આતશબાજી કરી, હવામાં ફુગ્ગાઓ ઉડાડી, નાચી-ઝુમી ૨૦૨૦ના નવા વર્ષને જારદાર રીતે આવકારવા સાથે ધમાકેદાર ઉજવણી કરી હતી. થર્ટી ફર્સ્ટની ઉજવણી અને ન્યુ યરને લઇ શહેરની મોટાભાગની હોટલ-રેસ્ટોરન્ટ્‌સ, કલબો-ફાર્મહાઉસ અને પાર્ટીપ્લોટોમાં યુવા હૈયાઓ ડાન્સ પાર્ટી, નાચ-ગાન, ડિનર પાર્ટી, ધમાલ-મસ્તી સહિતના રંગારંગ કાર્યક્રમોમાં રાતભર મોજ માણતા રહ્યા હતા.

શહેરના કેટલાક માર્ગો, બ્રીજ, શોપીંગ મોલ્સ અને મોટા મોટા બિલ્ડીંગો ઝળહળથી રોશનીથી શણગારવામાં આવ્યા હતા. શહેર પોલીસના દસ હજારથી વધુ પોલીસ જવાન, ૬૫૦થી વધુ બાઇકર્સ પોલીસ, ૩૦૦ જેટલા પોલીસવાહનો અને મહિલા પોલીસની સાદા ડ્રેસમાં તૈનાત, મહિલા ક્રાઇમ, મહિલા પોલીસની શી ટીમ સહિત કુલ ૬૦ ટીમો સી.જી રોડ, એસજી હાઇવે, કાંકરિયા, આઇઆઇએમ, નરોડા, નિકોલ સહિતના સ્થળોએ રાતભર પેટ્રોલીંગ કર્યું હતું.

તો, બ્રેથ એનેલાઇઝર સાથે ચકાસણી કરી ઢગલાબંધ દારૂડિયાને પણ ઝડપી લીધા હતા. તો, ૧૦૦૬ સીસીટીવી કેમેરા, ૧૦૦૦ બ્રેથ એનેલાઇઝર, એક હજાર બાઇક, કવીક રિસ્પોન્સ ટીમ અને ૧૦૦થી વધુ પીસીઆર વાન મારફતે શહેર પોલીસે અમદાવાદના વિવિધ માર્ગો પર ઉજવણીના સમગ્ર માહોલ પર ચાંપતી નજર રાખી હતી.

શહેરની મોટાભાગની હોટલ-રેસ્ટોરન્ટ્‌સ, કલબો-ફાર્મહાઉસ અને પાર્ટીપ્લોટો પર શબાબ અને શરાબની મહેફિલો જામી હતી. ડાન્સ પાર્ટી અને ડીજેના તાલ વચ્ચે રાતભર થીરકતા રહી તેની સાથે ડિનર પાર્ટી અને ખાસ મિજબાની સાથે યંગસ્ટર્સ થર્ટી ફર્સ્ટની ઉજવણી અને નવા વર્ષને આવકારવા ઉત્સાહના ઉન્માદમાં ઝુમતા રહ્યા હતા.

દર વર્ષની જેમ હજારો યુવા હૈયાઓ રાત્રે સી.જી.રોડ અને એસ.જી.હાઇવે સહિતના માર્ગો પર કિડિયારાની જેમ ઉભરાયા હતા, ઉજવણીના કેટલાક સ્થળોએ તો, હૈયેહૈયુ દળાય એટલી હદે યંગસ્ટર્સ ઉમટયા હતા. ભારે હર્ષોલ્લાસ અને ઉત્સાહના માહોલ વચ્ચે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અને ન્યુ યરની ઉજવણી કરાઇ હતી. રાત્રિના ૧૨-૦૦ વાગવાની તૈયારી હતી ત્યારે થોડી સેકન્ડો માટે સૌકોઇ થંભી ગયા હતા અને પછી રિવર્સ કાઉન્ટીંગ કરી ટેન, નાઇન, એઇટ, સેવન…..ટુ, વન..વેલકમ ૨૦૨૦, હેપ્પી ન્યુ યર ટુ ઓલ કહી નવા વર્ષનું જારદાર ધમાકેદાર સ્વાગત કર્યું હતું.

નવા વર્ષના આગમનને શહેરીજનોએ ફટાકડા ફોડી, આતશબાજી કરી, ફુગ્ગાઓ ઉડાડી અને એકબીજાને હેપી ન્યુ યર કરી વધામણાં કર્યા હતા. અમદાવાદ શહેરની મોટાભાગની હોટલ-રેસ્ટોરન્ટ્‌સ, કલબો-ફાર્મ હાઉસ, પાર્ટીપ્લોટોમાં આ વખતે વિવિધ થીમ બેઝ અને ડીજેના તાલ અને રોકીંગ રમઝટ સાથે ડાન્સ પાર્ટી, નાચ-ગાન, ડિનર પાર્ટી સહિતના રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ અને હાઇવે પરની કેટલીક હાઇફાઇ અને વૈભવી હોટલોમાં તો, શરાબ અને શબાબની મહેફિલનું પણ આયોજન કરવામાં આવ્યું છે હતું. કેટલાક ડાન્સ પાર્ટીના સ્થળોએ તો વિદેશી યુવતીઓ-ડાન્સરને બોલાવવામાં આવી હતી અને યુવા હૈયાઓએ ડાન્સ પાર્ટીની મોજ માણી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.