હર ઘર ટીકા, ઘર ઘર ટીકાના મંત્ર સાથે હવે ઘરે-ઘરે રસીકરણ કરાશે
નવી દિલ્હી, પીએમ મોદીએ કોરોનાથી રક્ષણ મેળવવા માટે રસીકરણ પર ખાસ ભાર આપતા હવે તેના માટે ડોર-ટુ-ડોર અભિયાન શરુ કરવાની વાત કરી છે. જે લોકોએ એક ડોઝ લઈ લીધો છે, અને બીજાે ડોઝ લેવાનો બાકી છે ખાસ કરીને તેમના માટે અસરકારક પ્રયાસો કરવાની વાત કરી છે. પીએમે આજે રસીકરણમાં પાછળ ચાલી રહેલા ૪૦ જિલ્લાના કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સ કરી હતી.
આ મિટિંગમાં પીએમે જણાવ્યું હતું કે હવે સત્તાધીશોએ ઘેર-ઘેર જવું પડશે, જેના માટે તેમણે ‘હર ઘર ટીકા, ઘર ઘર ટીકા’નો મંત્ર આપ્યો હતો. તેમણે કેન્દ્ર સરકારના હર ઘર દસ્તક અભિયાન હેઠળ રસીકરણને આવરી લેવા જણાવ્યું હતું. પીએમે કહ્યું હતું કે, જે લોકોએ બંને ડોઝ નથી લીધા તેવા દરેક લોકોના દરવાજા ખટખટાવવાના છે.
આજે જે ૪૦ જિલ્લાના કલેક્ટર સાથે પીએમ મોદીએ વાત કરી હતી તે જિલ્લામાં રસીકરણનું પ્રમાણ ૫૦ ટકાથી પણ ઓછું છે. આ ૪૦ જિલ્લા ઝારખંડ, મણીપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર અને મેઘાલય ઉપરાંત બીજા કેટલાક રાજ્યોમાં આવેલા છે. રસીકરણ પર ભાર આપવા ઉપરાંત, પીએમે ૧૦૦ કરોડ ડોઝનું સિમાચિન્હ સર થયા બાદ પણ ઢીલાશ ના વર્તવા માટે પણ ચેતવણી આપી હતી.
પીએમે જણાવ્યું હતું કે, દુશ્મન અને રોગને ક્યારેય ઓછામાં ના આંકવા જાેઈએ. તેમનો અંત ના થાય ત્યાં સુધી તેમની સામે લડતા રહેવું જાેઈએ. દેશના અંતરિયાળ વિસ્તારોમાં પણ રસીકરણની કામગીરી કરવા બદલ પીએમે ફ્રંટલાઈન વર્કર્સની સરાહના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રસીકરણનો વ્યાપ વધારવામાં ફ્રન્ટ લાઈન વર્ક્સની મહેનતની મહત્વની ભૂમિકા છે.
જે રાજ્યોમાં પહેલો ડોઝ આપવાની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થઈ ગઈ છે તેમનો ઉલ્લેખ કરતા પીએમે જણાવ્યું હતું કે, તે રાજ્યોમાં પણ પડકારો ઓછા નહોતા. તેમ છતાંય આ રાજ્યોના જિલ્લાએ આ કપરી કામગીરીને પાર પાડી. કોરોનાને ૧૦૦ વર્ષમાં આવેલી સૌથી ભયાનક મહામારી ગણાવતા પીએમે જણાવ્યું હતું કે, આપણે તેની સામેની લડાઈ માટે નવા ઉકેલ શોધી કાઢ્યા, અને સર્જનાત્મક રીતોથી વાયરસની સામે લડાઈ લડી. તેમણે ઓછું રસીકરણ ધરાવતા જિલ્લાના કલેક્ટરોને પણ આવી જ રીતો અપનાવવા માટે હાકલ કરી હતી.SSS