હલકી ગુણવત્તાની ખાદ્ય વસ્તુઓનું વેચાણ કરતાં બે વેપારીઓ તેમજ ઉત્પાદકને દંડ
દાહોદ, દાહોદના નિવાસી અધિક કલેકટર એ.બી. પાંડોરે જિલ્લામાં નીચી ગુણવત્તાની ખાદ્ય વસ્તુઓનું વેચાણ કરતા બે વેપારીઓ તેમજ ઉત્પાદકને દંડ ફટકાર્યો છે. દાહોદની ખુશી નમકીનને રૂા.પ હજાર અને દેવગઢબારીયાની મહાદેવ ડેરીને રૂા.૩૦ હજાર તેમજ ઉત્પાદક પેઢી ગિરીરાજ વેફર્સને રૂા.૩૦ હજારનો દંડ ફટકાર્યો છે.
દાહોદના દેવગઢ બારીયા તાલુકામાં આવેલી મહાદેવ ડેરી એન્ડ આઈસક્રીમ પાર્લર પરથી ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફુડ સેફટી ઓફિસર પી.એચ. સોલંકીએ ઘીનો નમૂનો પૃથ્થકરણ માટે લીધો હતો. આ ઘીનો નમૂનો નીચી ગુણવત્તાનો હોય ચકાસણીમાં અખાદ્ય જણાયો હતો.
આ ઉપરાંત દાહોદ નગરપાલિકાના ફુડ સેફટી ઓફિસર પી.આ.ર નાગરવાલાએ દરજી સોસાયટીમાં આવેલી ખુશી નમકીનમાંથી ગિરીરાજ કેળાની વેફર્સ પેકેટનો નમૂનો પૃથ્થકરણ માટે લીધો હતો તે પણ મીસબ્રાન્ડેડ, અખાદ્ય જણાયો હતો.
આ બંન્ને કેસની ગંભીરતા જાેતા નિવાસી અધિક કલેકટરે મહાદેવ ડેરી અને આઈસક્રીમ પાર્લરને રૂા.૩૦ હજાર અને ખુશી નમકીનને રૂા.પ૦૦૦ તેમજ કામરેજ સુરત ખાતેની કેળા વેફર્સનું ઉત્પાદન કરતી ગિરીરાજ વેફર્સને રૂા.૩૦ હજારનો દંડ ફટકાર્યો હતો.