Western Times News

Gujarati News

હળવદની તક્ષશિલા વિદ્યાલય દ્વારા વોટ્સ અપના માધ્યમથી પ્રવૃતિલક્ષી શિક્ષણનો નવતર અભિગમ

શાળા દ્વારા વોટ્સ અપ ગ્રુપમાં જે તે ધોરણની અભ્યાસલક્ષી દસ-દસ પ્રવૃતિઓ આ ૨૧ દિવસમાં મોકલવામાં આવશે.
(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ, હાલમાં કોરોના વાયરસના કારણે લોકડાઉનની પરીસ્થિતિ છે. ઘરમાં બાળકો અને માતા-પિતા કે વડીલો બાળકોને ટીવીના કાર્ટુન, વિડીયો ગેમ જોતા કંટાળી જાય છે તેવા સમયે હળવદની તક્ષશિલા વિદ્યાલય દ્વારા આનંદમય અને પ્રવૃતિલક્ષી શિક્ષણનો એક નવતર પ્રયોગ શરુ કર્યો છે.

આ અંગે માહિતી આપતા સંકુલના એમ.ડી મહેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે,શાળા દ્વારા બનાવેલ જે તે ધોરણના વોટ્સ અપ ગ્રુપમાં ૨૧ દિવસ દરમ્યાન ગણિત , ગુજરાતી , વિજ્ઞાન, સમાજ , સંસ્કૃત અને અંગ્રેજી જેવા વિષયોની અભ્યાસિક પ્રવૃતિઓ દરરોજ મોકલવામાં આવશે . બાળકો પોતાના ઘરમાં જ રહીને માતા પિતા કે વડીલોના માર્ગદર્શન હેઠળ આ ભાષાકીય સમૃદ્ધિ , ગાણિતિક કોયડા , વૈજ્ઞાનિક પ્રયોગો, આર્ટ & ક્રાફ્ટ, ચિત્રકલાની વિવિધ પ્રવૃત્તિઓ કરીને ગુણવત્તાસભર સમય વિતાવી શકશે. ગણિત વિષયમાં રીઝનિંગ, ઘડિયાળ અને સમય , માપ અને અંતર , સુડોકુ , વિવિધ પજલ્સનો આ નવતર પ્રવૃતિમાં સમાવેશ કરેલ છે.

જયારે વિજ્ઞાન અને પર્યાવરણમાં ઘરમાં બેસીને થઈ શકે તેવા હવા અને દળ, પાણી અને સાબુના પ્રયોગો, પર્ણપોથી બનાવવી, પુષ્પપોથી બનાવવી, ઈન્ટરનેટના માધ્યમથી વૈજ્ઞાનિકોના ફોટા શોધો ઓળખવી, કોરોના , ઇબોલા , સ્વાઈનફ્લુ જેવા રોગોના લક્ષણોના ચાર્ટ બનાવવા જેવી પ્રવૃતિઓ સમાવિષ્ટ છે. ગાયત્રીમંત્ર , ત્ર્યમ્બકમ યજામહે રૂપી મહામૃત્યુંજય મંત્ર , મનોજવં…. રૂપી હનુમાનસ્તુતિ, વિઘ્નેસ્વરાય….શ્લોકદ્વારા ગણેશવંદના અને રામનવમીના દિવસે રામાષ્ટકમના શ્લોકો કે મંત્રો કંઠસ્થ કરાવશે તો બાળકોને ભારતીય સંસ્કૃતિના દર્શન થશે . ભાષાકીય સમૃદ્ધિ માટે કવિતાગાન, શબ્દરમત, અંગ્રેજીગ્રામરના કોષ્ટક , સાપસીડીની રમત અને તેનાથી સરવાળા બાદબાકી શીખવા , ગુજરાતી લોકગીતો, ફીલ્મીગીતોનો પરિચય જેવી પ્રવૃતિઓ સમાવિષ્ટ છે.

શરબત બનાવતા શીખવું , ચા કે કોફી બનાવતા શીખવું , મોટા વિદ્યાર્થીઓ કોઈ મિઠાઈ બનાવતા શીખે, ફ્યુજ બાંધતા શીખવું જેવી પ્રવૃતિઓ શીખીને  વિદ્યાર્થીઓ ઘર કામમાં પણ મદદરૂપ થઈ શકે . કાગળ માંથી ફુલ બનાવવા , આઈસ્ક્રીમની સળીઓ માંથી વિવિધ ડેકોરેટિવ વસ્તુઓ બનાવવી , રંગપૂરણી, ચિત્રકામ , સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થી આનંદમય , પ્રવૃતિમય રહીને ગુણવત્તા સભર સમય વિદ્યાર્થીઓ ઘરે વિતાવી શકાશે .

પ્રત્યેક ધોરણના પાઠ્યપુસ્તકમાં પાઠપૂર્ણ થતા સ્વાધ્યાયના અંતે રાજ્યસરકાર દ્વારા પ્રવૃતિઓનો ઉલ્લેખ છે, તે પ્રવૃતિઓ પણ નવોન્મેષ પ્રોજેક્ટમાં સમાવેશ કરેલો છે.ઓનલાઇન એજ્યુકેશન આપવાનો આનાથી વિશિષ્ટ અને ઇનોવેટીવ આઈડિયા કયો હોય શકે ?? પ્રવૃત્તિ કર્યા બાદ વિદ્યાર્થીઓ જે તે પ્રવૃતિના બે/ ત્રણ ફોટા કે પંદર સેકન્ડનો વિડિયો બનાવીને શાળાને મોકલશે જેથી તેનું મુલ્યાંકન પણ થઈ શકે  તમામ પ્રવૃતિઓ કેવી રીતે તૈયાર કરવાની તે અંગે શાળાના તમામ શિક્ષકોએ ,સંચાલકોએ અને આચાર્યોએ વીડીયોકોન્ફરન્સ , કોન્ફરન્સ કોલ , વોટ્સઅપ ગૃપ ડિસ્કશનના માધ્યમનો ઉપયોગ કરીને ઘરે બેઠા જ પ્રવૃતિઓ પસંદ કરીને સોશ્યલ ડિસ્ટંસીંગને પણ જાળવી રાખ્યું છે.

આ દસ દિવસ પૂર્વ પ્રાથમિકનો પ્રત્યેક વિદ્યાર્થી ઓછામાં ઓછી ૪૫ પ્રવૃતિઓ , ઉચ્ચતર પ્રાથમિકના પ્રત્યેક વિદ્યાર્થી ૬૧ પ્રવૃતિઓ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો પ્રત્યેક વિદ્યાર્થી ૭૨ પ્રવૃતિઓમાં ભાગ લેશે . શાળા દ્વારા તમામ ધોરણના , તમામ વિષયોનું સંકલન કરી કુલ ૭૫૯ જેટલી અભ્યાસિક પ્રવૃતિઓનો મસમોટો ખજાનો નિર્માણ કરેલ છે. (તસ્વીર-અહેવાલઃજીજ્ઞેશ રાવલ,હળવદ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.