હવામાંથી માર કરી શકે તેવા સ્વદેશી એન્ટી શિપ મિસાઈલનુ સફળ પરિક્ષણ

નવી દિલ્હી, ભારતીય નૌસેનાની તાકાતમાં આગામી દિવસોમાં વધારો થવા જઈ રહ્યો છે. આજે ભારતીય નૌસેના તેમજ DRDO દ્વારા દેશમાં જ બનાવાયેલા એન્ટી શિપ મિસાઈલનુ સફળ પરિક્ષણ કરવામાં આવ્યુ છે. ઓરિસ્સાના ચાંદીપુર નજીક દરિયામાં આ ટેસ્ટિંગ કરવામાં આવ્યુ હતુ.
સંરક્ષણ મંત્રાલયે હેલિકોપ્ટરમાંથી લોન્ચ કરાયેલા એન્ટી શિપ મિસાઈલનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ભારતીય નૌસેના માટે પહેલી વખત હવાથી લોન્ચ થઈ શકતી એન્ટી શિપ મિસાઈલ બનાવવામાં આવી છે.
મિસાઈલ તમામ ધારાધોરણો પર ખરી ઉતરી હતી અને પોતાના ટાર્ગેટ પર ટકરાઈ હતી. તેને વાયુસેનાના હેલિકોપ્ટરમાંથી લોન્ચ કરવામાં આવી હતી.
મિસાઈલ દરિયાઈ સપાટીથી માત્ર ગણતરીના ફૂટ ઉપર જ રહીને ઉડતી હોવાથી દુશ્મન જહાજના રેડરામાં તે જલ્દી પકડાતી નથી. ટેસ્ટિંગ દરમિયાન મિસાઈલના રૂટ પર મુકાયેલા સેન્સર્સમાં મિસાઈલની તમામ હિલચાલ ટ્રેક કરવામાં આવી હતી.
નૌ સેનાના હેલિકોપ્ટર્સને આ મિસાઈલથી સજ્જ કરવામાં આવશે. આ મિસાઈલમાં અત્યાધુનિક નેવિગેશન સિસ્ટમની સાથે ઈન્ટીગ્રેટેડ એવિયોનિક્સ પણ છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સફળ પરિક્ષણ માટે નૌસેનાના અધિકારીઓ તેમજ DRDOના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા છે.