હવેથી રાશન કાર્ડ પર બજાર ભાવ કરતા ઓછી કિંમતે ડુંગળી ખરીદી શકશો
નવી દિલ્હી, ડુંગળીની વધતી કિંમતો વચ્ચે ગોવા સરકારે મોટો નિર્ણય લીધો છે. 1045 મેટ્રીક ટન ડુંગળી ખરીદીને ગોવા સરકાર 3.5 લાખ રાશન કાર્ડ ધારકોને ઓછા ભાવે ડુંગળી ઉપલબ્ધ કરાવશે. નાગરિક પુરવઠા વિભાગના નિદેશક સિદ્ધિવિનાયક નાઈકે કહ્યું કે, સરકારે આ આદેશ નાસિક સ્થિત ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી માર્કેટિંગ એસોસિએશન(નેફેડ)ને આપ્યો છે.
ગોવા સરકાર 3.5 લાખ રાશન કાર્ડ ધારકોને ત્રણ કિલોગ્રામ ડુંગળી ઉપલબ્ધ કરાવશે. તેને જાહેર વિતરણ વ્યવસ્થા(PDS) નેટવર્ક દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. હજુ ગોવામાં ડુંગળી 70-80 રૂપિયા પ્રતિકિલોગ્રામના ભાવે વેચાઈ રહી છે. તેનાથી લોકો પરેશાન છે. લોકોને રાહત આપવા માટે સરકારે આ પગલું ભર્યું છે.
ગોવામાં ડુંગળીની કિંમત વધવા પર મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે બુધવારે કહ્યું હતું કે, ભારતીય રસોઈ માટે જરૂરી સામગ્રીમાં ડુંગળીને રાજ્ય જાહેર વિતરણ વ્યવસ્થા નેટવર્ક દ્વાર સસ્તી કિંમતોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. દરેક રાશન કાર્ડ ધારકોને 32-33 રૂપિયા પ્રતિ કિલોગ્રામના દરે ત્રણ કિલોગ્રામ ડુંગળી આપવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે, સરકાર ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી માર્કેટિંગ એસોસિએશન દ્વારા ડુંગળીની સોર્સિંગ પ્રક્રિયામાં છે અને ગોવાની જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા ડુંગળીની આપૂર્તિ એક પખવાડિયા બાદ કરવામાં આવશે.