હવેથી વેચાણ માટે નહીં ખરીદે વેપારીઓ ચાઈનીઝ મોબાઈલ
અમદાવાદ: ગલવાન ઘાટીમાં સૈનિકો વચ્ચે હિંસક ઝડપમાં દેશના ૨૦ જાંબાઝ જવાનો શહીદ થવાને પગલે સમગ્ર દેશમાં ચીન પ્રત્યે આક્રોશ ચરમ પર છે, ત્યારે અમદાવાદ સ્થિત ચાઈના માર્કેટ તરીકે ઓળખાતા કામ્પલેક્સના વેપારીઓએ દેશદાઝ દાખવતા મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં હવેથી તેઓએ કોઈપણ પ્રકારના ચાઈનીઝ મોબાઈલ અને તેના સ્પેરપાટ્ર્સ નહીં ખરીદવાનો નિર્ણય કર્યો છે.
આટલું જ નહીં, આ વેપારીઓએ દેશને વધારે મહત્વ આપીને પોતાની પાસે રહેલા ચાઈનીઝ મોબાઈલના સ્ટાકની કિંમતમાં પણ વધારો કરી દીધો છે. જેથી કરીને ગ્રાહકો આવા ચાઈનીઝ મોબાઈલની ખરીદીથી દૂર રહે. આ માટે વેપારીઓ અલગ-અલગ વેબસાઈટ પરથી ઓનલાઈન મોબાઈલની ખરીદી કરીને ચાઈનીઝ મોબાઈલનો સ્ટોક ખાલી કરી રહ્યાં છે. આ વેપારીઓએ ભવિષ્યમાં ચાઈનીઝ મોબાઈલ કે ચાઈનીઝ સ્પેરપાટ્ર્સની ખરીદ-વેચાણ ના કરવાનો નિર્ણય લીધો છે.
જણાવી દઈએ કે, દેશમાં સ્માર્ટફોનનું માર્કેટ ૨ લાખ કરોડ રૂપિયાનું છે, જેમાં ચીને સૌથી મોટો કબ્જો જમાવ્યો છે. ચીનની શાઓમી, વીવો, એપ્પો અને રિયલમી જેવી બ્રાન્ડ્સનો ભારતીય માર્કેટમાં દબદબો છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં ઠેર-ઠેર ચીનનો વિરોધ થઈ રહ્યો છે. અનેક ઠેકાણે ચાઈનીઝ પ્રોડક્ટ્સની હોળી કરવામાં આવી રહી છે. આ સિવાય તાજેતરમાં મોદી સરકારને અચાનક ૫૯ જેટલી ચાઈનીઝ એપ્સ પર ભારતમાં પ્રતિબંધ મૂકી દેતા ચીનને મોટો ફટકો પડ્યો છે. હવે વેપારીઓએ પણ ચાઈનીઝ મોબાઈલ અને તેની એસેસરિઝ ના ખરીદ-વેચાણ પર બ્રેક લગાવવાનો નિર્ણય કર્યો છે, ત્યારે ચીનને વધુ એક ફટકો પડી શકે છે.