હવેનો સમય દેશ માટે જીવવાનો છે: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
ગાંધીનગર, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે વહેલી સવારે ગાંધીનગર જિલ્લાના સરઢવ ગામે પહોંચ્યા અને પ્રભાત ફેરીમાં જાેડાઈને ગ્રામજનોના જન ઉમંગમાં સહભાગી થયા છે. દેશમાં થઈ રહેલી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અન્વયે કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ પહેલને ગ્રામજનોએ વ્યાપક પ્રતિસાદ આપ્યો અને સરઢવના અબાલ, વૃદ્ધ સહિત સૌ ગ્રામજનો આ પ્રભાત ફેરીમાં ઉમટી પડ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ #AzadikaAmritMahotsav ની ઉજવણી અંતર્ગત આજે વહેલી સવારે ગાંધીનગરના સરઢવ ગામે પ્રભાત ફેરીમાં જોડાઈને ગ્રામજનોના જનઉમંગમાં થયા સહભાગી મુખ્યમંત્રીશ્રીની આ પહેલને વ્યાપક પ્રતિસાદ આપતા #સરઢવ ગામના અબાલ વૃદ્ધ સૌ ગ્રામજનો આ પ્રભાત ફેરીમાં જોડાયા હતા.
સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રભાતફેરી માર્ગમાં લોકો વચ્ચે જઈને તેમની સાથે વાતચીત કરી અભિવાદન ઝીલ્યું. આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલે પ્રભાત ફેરીના પ્રારંભ પૂર્વે સરઢવના અંબાજી માતા અને રણછોડ રાય મંદિર સહિતના મંદિરોમાં મંગળા આરતી કરી દર્શન અર્ચન કર્યા.
આજે તળાવ નિર્માણ અને ગામને ગૌરવ અપવનારા ગામના વ્યક્તિ વિશેષ, નિવૃત ઉચ્ચ અધિકારીઓ અને શિક્ષકોના સન્માન તથા શાળાનો જન્મ દિવસ અને વૃક્ષારોપણ સહિતના વિવિધ જન વિકાસ કામો કરાયા.
મુખ્યમંત્રીએ ગામના પ્રગતિશીલ ખેડૂતો કે જેમણે પ્રાકૃતિક ખેતી સફળતા પૂર્વક અપનાવી છે તેમનું પણ સન્માન કર્યું. સરઢવ ગામમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લોકોને સંબોધ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, ગામના ઉત્સાહને વિકાસના કર્યો થકી અમે પરત કરીશું. ગાંધીજી હંમેશા કહેતા કે સાચું ભારત ગામડામાં વસેલું છે.હવે ગામડાઓ શહેરો જેવા બનતા જઈ રહ્યા છે. હવેનો સમય દેશ માટે જીવવાનો છે. સારા સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતીની જરૂરત ઉભી થઇ છે.
વધારે અનાજ પકવવાની લ્હાયમાં જમીન અને આપણું સ્વાસ્થ્ય બગાડી રહ્યા છીએ. ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા ભુપેન્દ્ર પટેલે સલાહ આપી હતી. તેમણે જણાવ્યું કે ઓછા ખર્ચે સારી ખેતી પ્રાકૃતિક રીતે થઇ શકે છે.
સરહદે સૈનિકો દેશ માટે સેવા આપે છે, આપણે પાણી-વીજળી બચાવી દેશ સેવા કરી શકીએ તેમ છે. આ જ પ્રસંગમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ એક નિવેદન આપ્યું હતું. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કોઈને વિચાર ના આવે એવા વિચાર નરેન્દ્રભાઈને આવે છે. ૧૧ કામો દરેક ગ્રામજનોને કરવા નરેન્દ્રભાઈ એ આહવાન કર્યું છે.
નીતિ આયોગના રિપોર્ટમાં ઉર્જા અને ક્લાઇમેન્ટ ચેન્જમાં ગુજરાત પ્રથમ આવ્યું છે. ભુપેન્દ્ર પટેલના શાસનમાં ગુજરાત અગ્રેસર થઇ રહ્યું છે.
નોંધનીય છે કે, મુખ્યમંત્રીની સાથે આ અવસરે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, ધારાસભ્ય શંભૂજી ઠાકોર, પૂર્વ મંત્રી વાડીભાઈ પટેલ, સરપંચ કિરીટ ભાઈ પટેલ તેમજ ગામના વરિષ્ઠ અગ્રણીઓ, શાળાના છાત્રો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.SSS