હવે આગામી દિવસોમાં માસ્ક-સેનિટાઈઝરની કિંમત ફરી વધશે

નવી દિલ્હી: ગત દિવસોમાં કોરોના વાયરસના સતત વધતા કેસોની વચ્ચે મોદી સરકારે માસ્ક અને સેનિટાઈઝરને આવશ્યક વસ્તુ અધિનિયમમાં સામેલ કર્યા હતા. હવે, સરકારે તેને ફરીથી બદલીને માસ્ક અને સેનિટાઈઝરને આવશ્યક વસ્તુ અધિનિયમની યાદીમાંથી હટાવી દીધા છે.
તેને આવશ્યક વસ્તુ અધિનિયમમાં સામેલ કરતા કેન્દ્રીય ખાદ્ય અને ઉપભોક્તા મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું હતું કે, તેનાથી ઉપલબ્ધતા વધશે અને કાળાબજાર રોકાશે. સરકારે પહેલા એટલા માટે નિયમ બદલ્યો હતો કે, તેના કાળાબજાર શરૂ થઈ ગયા હતા. તેની મનફાવે તેવા ભાવ લઈ લોકોને લૂંટવામાં આવી રહ્યા હતા. હવે ફરી નિયમ બદલવાનો અર્થ છે કે, ૨-૩ પ્લાય સર્જિકલ ફેસ માસ્ક, એન-૯૫ માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરની કિંમતો ફરીથી વધશે. સરકારના નવા નિર્ણયથી વેપારીઓને એક રીતે ફરીથી મનફાવે તેમ ભાવ લેવાની મંજૂરી મળી ગઈ છે.
જ્યારે મોદી સરકારે માસ્ક અને સેનિટાઈઝરને આવશ્યક વસ્તુ અધિનિયમમાં સામેલ કર્યો હતો, તો નિયમનું ઉલ્લંઘન કરનારાને ૭ વર્ષની જેલની સજાની સાથે-સાથે દંડની જાગવાઈ પણ હતી. હવે, દુકાનદાર બેફામ રીતે ઉંચા ભાવે માસ્ક અને સેનિટાઈઝર વેચશે.