હવે કંગના રાણાવત એરફોર્સ પાયલોટની ભૂમિકામાં દેખાશે
મુંબઇ, અભિનેત્રી કંગના રાણાવત એક પછી એક ફિલ્મોમાં ભૂમિકા અદા કરી રહી છે. પંગા ફિલ્મમાં તેની ભૂમિકાની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. આ ઉપરાંત તે હવે જયલલિતાની લાઇફ ઉપર આધારિત ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં કામ કરવા માટે તેને સૌથી વધારે નાણાં મળી રહ્યા છે. હવે તેની પાસે કેટલીક નવી ફિલ્મો આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ તે રોની સ્ક્રુવાલા પ્રોડક્શન સાથે કામ કરવા જઈ રહી છે. જુલાઈ મહિનામાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે.
ફિલ્મમાં તે એરફોર્સ પાયલોટની ભૂમિકા અદા કરશે અને ભારતના શક્તિશાળી તેજસ વિમાનને ઉડાવતી નજરે પડી શકે છે. રોની સ્ક્રુવાલા દ્વારા નિર્મિત આ ફિલ્મનું નિર્દેશન સર્વેશ મેવાડા કરી રહ્યા છે. કંગનાએ આ અંગે માહિતી આપતા કહ્યું છે કે, તે હંમેશા એક સૈનિક ભૂમિકા અદા કરવા ઇચ્છુક હતી. તેનું આ સપનું હવે પુરુ થઇ રહ્યું છે. આર્મ્ડ ફોર્સની સાથે કામ કરવાની તેની ઇચ્છા પુર્ણ થઇ રહી છે.
અમારા જવાનો માટે તેના મનમાં ખુબ માન સંમાન રહ્યું છે. જુલાઈ મહિનામાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરાશે. શૂટિંગ શરૂ થતા પહેલા તે જોરદાર ટ્રેનિંગ લેનાર છે. પ્રોફેશનલ ટ્રેનરોને રોકવામાં આવનાર છે. બે સપ્તાહ પહેલા જ આ ફિલ્મને લઇને કંગનાએ હસ્તાક્ષર કર્યા છે. તે હાલમાં તમિળનાડુના મુખ્યમંત્રી સ્વર્ગસ્થ જયલલિતાની લાઇફ ઉપર આધારિત ફિલ્મ ફલાઈવીમાં કામ કરી રહી છે. ત્યારબાદ તે તેજસ નામની ફિલ્મમાં કામ કરવા જઈ રહી છે જેમાં તે પાયલોટની ભૂમિકા અદા કરનાર છે.