હવે કરોળિયાના ઝેરથી હાર્ટ અટેકની સારવાર થઈ શકશે

વૈજ્ઞાનિકો દ્વારા દાવો કરવામાં આવ્યો-કરોળિયાના ઝેરમાં પ્રોટીન રહેલું છે,તે હ્રદયમાંથી નીકળતા ડેથ સિગ્નલને રોકવાનું કામ કરે છે
નવી દિલ્હી, દુનિયાના સૌથી ખતરનાક કરોળિયાના ઝેરથી હાર્ટ અટેકની સારવાર થઈ શકશે. ફનેલ બેબ કરોળિયાના ઝેરમાં એવા મોલિક્યૂલ રહેલા છે, જે હાર્ટ અટેક બાદ હ્રદયમાં થતી ડેમેજને રોકી શકે છે. આ કરોળિયાના ઝેરની મદદથી હ્રદય ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર દર્દીઓના હ્રદયની લાઈફમાં પણ વધારો થઈ શકે છે.
ક્વીસલેન્ડ યુનિવર્સિટીના ડૉ.નાથન પલ્પંત અને પ્રો. ગ્લેન કિંગ તથા વિક્ટર ચેંગ કાર્ડિયક રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના પ્રો. પીટર મેકડોનાલ્ડે કરોળિયાના ઝેરથી ઈલાજની શોધ કરી છે. ડૉ.નાથન જણાવે છે કે, કરોળિયાના ઝેરમાંનું પ્રોટીન રહેલું છે. તે હ્રદયમાંથી નીકળતા ડેથ સિગ્નલને રોકવાનું કામ કરે છે.
આ પ્રમાણે કોશિકાઓ પર થતી ગંભીર અસરને રોકી શકાય છે. તેની અસરને કારણે હ્રદયની કોશિકાઓમાં સુધારો થાય છે. વૈજ્ઞાનિકો દાવો કરી રહ્યા છે, કે અત્યાર સુધી આ પ્રકારની દવા બની નથી, જે હાર્ટ અટેક બાદ થતી ડેમેજને રોકી શકે. પ્રોફેસર મેકડોનાલ્ડ જણાવે છે, કે ‘આ દવા સમગ્ર વિશ્વમાં હાર્ટ અટેકના દર્દીઓ માટે લાભદાયી થશે અને હાર્ટ અટેક બાદ થતી ડેમેજથી રાહત મળશે. પ્રોટીનની મદદથી ડોનેટ કરાયેલા હાર્ટમાં પણ સુધારો થશે.
આ પ્રકારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન સફળ થવાની શક્યતાઓ વધી જશે. પ્રોફેસર ગ્સેન કિંગને બેબ કરોળિયાના ઝેરમાં એક પ્રોટીન મળ્યું હતું. રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, આ પ્રોટીન બ્રેઈન સ્ટ્રોક બાદ રિકવરીમાં મદદ કરે છે. સ્ટ્રોકના ૮ કલાક બાદ દર્દીને આ પ્રોટીન આપતા જાણવા મળ્યું કે, તે બ્રેઈનમાં થયેલ ડેમેજને રિપેર કરે છે.
ત્યાર બાદ હ્રદયની કોશિકાઓને રિપેર કરવા માટે રિસર્ચ શરૂ કરવામાં આવ્યું હતું. બ્રેઈનની જેમ હાર્ટ પણ શરીરનું મહત્વપૂર્ણ અંગ છે. હ્રદયમાં બ્લડ ફ્લોમાં ક્ષતિ અને ઓક્સિજનની કમી થવા પર ડાયરેક્ટ દર્દી પર અસર થાય છે. રિસર્ચર્સ જણાવે છે, કે આ પ્રોટીનથી તૈયાર થતી દવાનો ઈમરજન્સી ઉપયોગ પણ કરી શકાશે.
હાર્ટ અટેકના મામલે દર્દીઓએ તાત્કાલિક સારવારની જરૂરિયાત હોય છે. આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતા દર્દીને એમ્બ્યુલન્સમાં તાત્કાલિક આ દવા આપી શકાશે, જેથી દર્દીની તબિયત વધુ ના બગડે. ગ્રામીણ વિસ્તારોમાં આ દવા ખૂબ જ અસરકારક સાબિત થશે, કારણ કે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા દર્દીઓને હોસ્પિટલ પહોંચતા વધુ સમય લાગે છે.