હવે કોર્પોરેટરો પણ ભણશે ?
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Education.jpg)
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, કેન્દ્ર સરકારે આપેલા સુત્ર “પઢેગા ઈન્ડીયા તો બઢેગા ઈન્ડીયા” નો પૂર્ણ અમલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો કરી રહયા છે. ભાજપની “નો રીપીટ” થીયરીના કારણે ચૂંટાઈને આવતા જનપ્રતિનિધિઓ તેમના હક્ક ફરજાે અને કાયદાથી લગભગ અજ્ઞાન હોય છે તેથી તેમને આ તમામ બાબતોનું જ્ઞાન આપવામાં આવશે તેમજ “પઢેગા કોર્પોરેટર તો બઢેગા વોર્ડ”ના નવા સુત્રનો અમલ કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ સત્તાધારી પાર્ટી ભાજપ દ્વારા દર વરસે ૭૦ ટકા કોર્પોરેટરોની બાદબાકી કરી તેમના સ્થાને નવા ચહેરાઓને તક આપવામાં આવે છે. પ્રથમ વખત ચૂંટણી જીતીને કોર્પોરેટર બનનાર મહાનુભાવોને મનપાની આંટીઘુટી સમજવામાં એકથી બે વર્ષ જેટલો સમય લાગે છે.
મોટાભાગના કોર્પોરેટરોને તેમના બજેટ ફાળવવામાં પણ બે વર્ષ સુધી ગોથા ખાતા હોય છે. કોર્પોરેટરોની અણઆવડતનો ભોગ નાગરીકો બને છે તેમજ વોર્ડનો વિકાસ અટકી જાય છે જયારે કેટલાક કિસ્સામાં નવા-સવા કોર્પોરેટરોની અણઆવડતનો લાભ વહીવટીતંત્ર દ્વારા પણ લેવામાં આવે છે.
ભુતકાળમાં નવા કોર્પોરેટરોને મ્યુનિ. કોર્પોરેશનની રીતી-નીતિથી પરિચિત કરવા માટે બે દિવસના સેમીનાર રાખવામાં આવ્યા હતા તત્કાલીન મેયર હસિતભાઈ વોરાએ નવા જનપ્રતિનિધિ-ોને મનપાની તમામ બાબતથી વાકેફ પણ કર્યા હતા પરંતુ ક્રમશઃ સીનીયર કોર્પોરેટરોની સંખ્યા ઓછી થતી હોવાથી કોણ, કોને ભણાવે ? તે યક્ષ પ્રશ્ન થયો છે.
મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન હિતેશભાઈ બારોટે આ સમસ્યાના નિવારણ માટે તમામ કોર્પોરેટરોને જી.પી.એચ.સી એક્ટના પુસ્તક આપવા નિર્ણય કર્યા છે તેમના જણાવ્યા મુજબ ખાનગી પ્રકાશક પાસેથી જીપીએચસી એક્ટના પુસ્તક ખરીદ કરવામાં આવશે જેનો લાભ કોર્પોરેટરો અને તેમના મતવિસ્તારને મળશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
અત્રે નોંધનીય છ છે કે ર૦૦પની ટર્મથી કોર્પોરેટરોને ડીઝીટલ જ્ઞાનથી વાકેફ કરવા લેપટોપ આપવાની પ્રથા શરૂ થઈ હતી જે હજી સુધી ચાલી રહી છે. પરંતુ કેટલા કોર્પોરેટરો લેપટોપનો યોગ્ય ઉપયોગ કરી રહયા છે તે યક્ષ પ્રશ્ન છે.