હવે ખાનગી કંપનીઓ રોકેટ, સેટેલાઇટ્સ બનાવી શકશે
ખાનગી ક્ષેત્રને રોકેટો, સેટેલાઇટ્સ બનાવવા ને કોમર્શિયલ આધારે લોન્ચ સેવાઓ પૂરી પાડવા સક્ષમ બનાવાશે
નવી દિલ્હી, ભારતના સ્પેસ ક્ષેત્રમાં એક ધરખમ સુધારારૂપે રોકેટો, સેટેલાઇટ્સ બનાવવા અને લોન્ચ સેવાઓ જેવી અવકાશી પ્રવૃત્તિઓમાં ખાનગી ક્ષેત્રને મંજૂરી અપાશે તેમ ઇસરોના વડા કે સિવાને જણાવ્યું છે. આને એક ધરખમ સુધારા તરીકે ગણાવતાં સિવાને કહ્યું હતું કે ખાનગી ક્ષેત્ર ઇસરોના આંતર-પ્લેનેટરી મિશનોના પણ ભાગ હોઇ શકે છે. ઉલ્લેખનીય છે કે કેબિનેટે બુધવારે પ્લેનેટરી એક્સ્પ્લોરેશન મિશન્સ સહિત સ્પેસની પ્રવૃત્તિઓની હાલની રેન્જમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને બહાલી આપી હતી.
ખાનગી ક્ષેત્રને રોકેટો, સેટેલાઇટ્સ બનાવવા જેવી સ્પેસની પ્રવૃત્તિઓ હાથ ધરવા અને કોમર્શિયલ આધારે લોન્ચ સેવાઓ પૂરી પાડવા સક્ષમ બનાવાશે. ઓનલાઇન બ્રીફિંગમાં સિવાને કહ્યું હતું કે ‘ખાનગી ક્ષેત્ર ઇસરોના ઇન્ટરપ્લેનેટરી મિશન્સના ભાગ હોઇ શકે છે. કેટલીક તકોની જાહેરાતો થકી આનું આયોજન થઇ રહ્યું છે.’ જોકે તેમણે ઉમેર્યું હતું કે ઇસરોની પ્રવૃત્તિઓ ઘટવાની નથી અને તે એડવાન્સ્ડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ઇન્ટર-પ્લેનેટી અને હ્યુમન સ્પેસ ફ્લાઇટ મિશન્સ સહિત સ્પેસ આધારિત પ્રવૃત્તિઓ હાથ ધરવાનું ચાલુ રાખશે.
સિવાને ઉમેર્યું હતું કે ‘આ સ્પેસ વિભાગમાં એક મહત્વની સિસ્ટમ અને સુધારારૂપ બનવાની છે. સ્પેસમાં તેના પોતાના ટેક્નીકલ, લીગલ સેફ્ટી અને સિક્યોરિટી માટે પોતાના ડિરેક્ટેરેટ્સ હશે. આ ઉપરાંત પ્રવૃત્તિના પ્રમોશન અને દેખરેખના હેતુઓ માટે પણ આવી વ્યવસ્થા હશે. જેથી તેઓ સ્વતંત્ર નિર્ણય લઇ શકે. ઇન-સ્પેસ બોર્ડમાં ઉદ્યોગ, શિક્ષણ જગત અને સરકારમાંથી સભ્યો હશે.’
આ વધુ આકાર પામતા છ મહિનાનો સમય લાગશે. પરંતુ ખાનગી કંપનીઓ વચગાળાના સમયે અવકાશ વિભાગમાં તેમની અરજીઓ સબમિટ કરી શકશે. ખાનગી કંપનીઓ ઇન-સ્પેસમાં સીધી અરજી કરવાની રહશે. જે સ્વતંત્રરીતે અરજીનું મૂલ્યાંકન અને વધુ પ્રક્રિયા હાથ ધરશે. ઇન-સ્પેસ જે કંઇ પણ નિર્ણય આપશે તે ખાનગી અથવા ઇસરોને બાધ્ય રહેશે.