Western Times News

Gujarati News

હવે ગાંધીનગર ગીફ્ટ સિટીમાં ડૉલર-પાઉન્ડમાં બેંક ખાતું ખોલાવી શકાશે

આરબીઆઈએ આપી મંજૂરી

(એજન્સી)ગાંધીનગર, દેશના નાગરિકો હવે વિદેશી હુંડિયામણ અર્થાત ડૉલર – પાઉન્ડમાં પણ બેંક ખાતું ખોલી શકશે. વિદેશી વીમો પણ લઈ શકશે. આ પગલાંથી વિદેશી હુંડિયામણમાં કામગીરી કરવા માગતા લોકોની મુશ્કેલીનો અંત આવી શકે છે. આ સુવિધા હાલ માત્ર ગુજરાતમાં ગીફ્ટ સિટીમાં કાર્યરત નાણાકીય સંસ્થાઓ – બેંકોમાં જ ઉપલબ્ધ થશે.

અહેલાલ મુજબ, દેશની મધ્યસ્થ બેંક ભારતીય રિઝર્વ બેંકે આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રો અર્થાત આએફએસસી માટે તેના રેમિટન્સના કાર્યક્ષેત્રનો વિસ્તાર કર્યો છે. આ સુવિધા લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ અર્થાત એલઆરએસ હેઠળ હશે. આ ફેરફારને કારણે દેશમાં રહેતા ભારતીયોને ગુજરાતના ગિફ્ટ સિટીમાં વિદેશી ચલણમાં ખાતાં ખોલવાની મંજૂરી મળશે.

આ ઉપરાંત રિઝર્વ બેંકે અન્ય કોઈપણ વિદેશી અધિકારક્ષેત્રોમાં તમામ વર્તમાન અથવા મૂડી ખાતાંના વ્યવહારોને પણ મંજૂરી આપી છે. આ સિસ્ટમને કારણે ચલણોની ઊથલપાથલ સામે વધારાનું રક્ષણ પૂરું પાડે છે અને વૈશ્વિક અનામત ચલણ અર્થાત યુએસ ડૉલર મેળવવાનું સરળ બનાવશે.

ગિફ્ટ સિટીના એમડી અને ગ્રુપ સીઈઓ, તપન રેએ જારી કરેલા એક નિવેદનમાં આ નિર્ણયને આવકાર્યો હતો. તેમણે કહ્યું કે, “અમે ગીફ્ટ આઈએફએસસી ખાતે ભારતીય રિઝર્વ બેંકના તાજેતરના પરિપત્રને લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમના વિસ્તારને આવકારીએ છીએ. આ નિર્ણાયક પગલું ગીફ્ટ આએફએસસી ને અન્ય વૈશ્વિક નાણાકીય કેન્દ્રો સાથે જોડાણની તક આપે છે,

તેને પરિણામે ભારતીય રોકાણકારોને વિદેશી મૂડીરોકાણો અને ખર્ચની વ્યાપક સુવિધા માટે અમારા પ્લેટફોર્મનો લાભ લેવાની તક મળશે.” તેમણે ઉમેર્યું કે, “મૂડીરોકાણો માટે એલઆરએસના ઉપયોગની સ્પષ્ટતા કરીને તથા વિદેશી ચલણમાં વીમા અને શિક્ષણ લોન ચૂકવણી જેવા વ્યવહારોને મંજૂપી કરીન આરબીઆઈએ ગીફ્ટ આઈએફએસસી ની સ્વીકાર્યતા અને ઉપયોગિતામાં નોંધપાત્ર વધારો કર્યો છે.

મે આ પ્રગતિશીલ પગલાં માટે આરબીઆઈનો આભાર માનીએ છીએ જે અગ્રણી આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓના હબ તરીકે ગીફ્ટ આઈએફએસસીની ભૂમિકાને પ્રોત્સાહન આપશે.” આ સુવિધાને કારણે સંભવિત ગ્રાહકો ૧૨ મહિનાના ગાળામાં ૨,૫૦,૦૦૦ ડૉલર સુધીની રકમ મોકલી શકશે. આ વ્યવસ્થા શરૂ થવાથી ઘણા લોકોને મોટી રાહત થશે કારણ કે અગાઉ એલઆરએસને આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રોમાં રોકાણ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.