હવે ગ્રામપંચાયતોની ચૂંટણી પર ચૂંટણી પંચે કવાયત શરૂ કરી

ગાંધીનગર, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યસંસ્થાની ચૂંટણી સંપન્ન થઇ ચૂકી છે. આ ચૂંટણીમાં મહદઅંશે ભાજપનો ભગવો લહેરાયો છે.ત્યારે હવે ભલે રાજકીયપક્ષના પ્રતિક ઉપર નહીં લડાતી ગ્રામપંચાયતો ની ચૂંટણી પર રાજકીયપક્ષોની મીટ મંડાયેલી છે. દરમિયાન રાજ્યમાં હવે આયોજીત ૧૦ હજાર કરતા વધુ ગ્રામપંચાયતોની ચૂંટણી યોજવા રાજ્ય ચૂંટણી પંચે કવાયત હાથ ધરી છે.
ગુજરાતમાં ગત ૩ ઓક્ટોબરે પાટનગર ગાંધીનગર મનપાની સામાન્ય , ઓખા થરા અને ભાણવડ નગરપાલિકાની સામાન્ય અને મધ્યસત્ર અને અન્ય કેટલીક નગરપાલિકા,તાલુકા પંચાયત અને જિલ્લાપંચાયતમાં ખાલી પડેલી બેઠકો માટેની પેટાચૂંટણી સંપન્ન થઇ અને તેના પરિણામ પણ જાહેર થઇ ગયા છે.
હવે રાજ્યમાં ગ્રામપંચાયતની પૂર્ણ થતી મુદત માટે ચૂંટણી યોજવા કવાયત હાથ ધરી છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ રાજ્યમાં ૧૦ હજાર ૩૧૨ ગ્રામપંચાયતોની મુદત ડિસેમ્બર અંત સુધીમાં પૂર્ણ થાય છે. દરેક તાલુકા વિકાસ અધિકારે ગ્રામપંચાયતની ચૂંટણી યોજવા રોટેશન બેઠકો માટેનો અહેવાલ રાજ્યચૂંટણીપંચને મોકલી આપ્યો છે.
રાજ્યમાં ૧૪ હજાર ગ્રામપંચાયતો અસ્તિત્વ ધરાવે છે. જે પૈકી ૧૦ હજાર ૩૧૨ ગ્રામપંચાયતોની ચૂંટણી ડિસેમ્બર-૨૦૨૧માં પૂર્ણ થાય છે ત્યારે ડિસેમ્બર અંત સુધીમાં ગ્રામપંચાયતનો ચૂંટણી સંપન્ન કરાશે. ગ્રામપંચાયતની ચૂંટણી માટે આખરી મતદારયાદી ૧૨ ઓક્ટોબરે પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યારબાદ ચૂંટણી યોજવાનો નો નિયમિત કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.
ગ્રામપંચાયતની ચૂંટણી રાજકીયપક્ષના પ્રતિક પર યોજાતી નથી. પરંતુ ગ્રામંપચાયતમાં રાજકીયપક્ષને સમર્થિત ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે. ભાજપ ગ્રામપંચાયત માટે પણ નો-રિપીટ થીયરી અપનાવવાના મૂડમા છે. ત્યારે કોંગ્રેસ માટે ગ્રામપંચાયતની ચૂંટણી પણ પડકરરૂપ રહેશે. હવે રાજ્યચૂંટણીપંચના ચૂંટણી કાર્યક્રમ પર સૌન મીટમંડાયેલી છે.HS