હવે જમાઈ અને વહુએ વૃદ્ધોની સારસંભાળ રાખવી પડશે, નહીં તો થશે જેલ!
નવી દિલ્હી : મોટી ઉંમરના લોકોની સારસંભાળ રાખવા માટે સરકાર મોટું પગલું ભરી રહી છે. સરકારે મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઑફ પેરેન્ટ્સ એન્ડ સીનિયર સિટીઝન એક્ટ 2007 અંતર્ગત મોટી ઉંમરના લોકોની સારસંભાળ રાખવાની વ્યાખ્યાને વધારે વિસ્તૃત કરી છે. હકીકતકમાં, કેન્દ્રીય કેબિનેટ તરફથી ફક્ત પોતાના જ બાળકો નહીં પરંતુ જમાઈ અને વહુને પણ વડીલોની સારસંભાળ માટે જવાબદાર ગણવા માટેનો પ્રસ્તાવ મૂક્યો છે.
આ અંગેના બિલમાં સુધારા માટેની મંજૂરી બુધવારે કેબિનેટે આપી દીધી છે. નવા નિયમમાં માતા-પિતા અને સાસુ-સસરાને પણ સામેલ કરાયા છે. તેઓ સિનિયર સિટિઝન હોય કે ન હોય તે જરૂરી નથી. આ બિલને આગામી અઠવાડિયે સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. આ બિલમાં 10 હજાર ભથ્થુ આપવાની મર્યાદાને પણ ખતમ કરવામાં આવી શકે છે.
વૃદ્ધોની સારસંભાળ ન રાખવામાં આવ્યાની ફરિયાદ મળ્યા બાદ સંતાનોને છ મહિનાની જેલની સજા થઈ શકે છે. હાલ આ સજા ત્રણ મહિનાની છે. દેખરેખની વ્યાખ્યામાં પણ બદલાવ કરીને તેમાં ઘર અને સુરક્ષાને સામેલ કરાયા છે. દેખરેખ માટે જે રકમ નક્કી કરવામાં આવશે તેના માટે વૃદ્ધો, બાળકો, પાલકો તેમજ સંબંધીઓની રહેણી-કહેણીનો આધાર લેવામાં આવશે. પ્રસ્તાવ પાસ થયાની જાણકારી આપતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે બિલ લાવવા પાછળનો ઉદેશ્ય વૃદ્ધોને યોગ્ય સન્માન અપાવવાનો છે.
બિલમાં પ્રસ્તાવિત બદલાવમાં દેખરેખ કરતા લોકોમાં દત્તક લીધેલા સંતાનો, સાવકા દીકરા-દીકરીઓને પણ સામેલ કરાયા છે. સંશોધિત બિલમાં ‘સિનિયર સિટિઝન કેર હોમ્સ’ની નોંધણીનો પણ જોગવાઈ છે. કેન્દ્ર સરકાર આ માટે સ્થાપના, સંચાલક અને દેખરેખ માટે લઘુત્તમ માનદ વેતન નક્કી કરશે. બિલના મુસદ્દામાં હોમ કેર સર્વિસ આપતી એજન્સીઓની નોંધણી કરવાનો પ્રસ્તાવ છે. વૃદ્ધો સુધી પહોંચવા માટે દરેક પોલીસ અધિકારીએ એક નોડલ ઑફિસરની નિમણૂક કરવી પડશે. આ બિલથી વૃદ્ધોને આપવામાં આવતા શારીરિક અને માનસિક ત્રાસમાં ઘટાડો થશે. આ ઉપરાતં આ બિલથી વૃદ્ધોની દેખરેખ કરતા લોકો સંવેદનશીલ અને વધારે જવાબદાર બનશે.