હવે પોલીસનું આંદોલન, પગારનો ગ્રેડ વધારવા માટે ખાખી મેદાને
અમદાવાદ: રાજ્યમાં ગઈકાલે સરકાર શિક્ષકોના ગ્રેડ ડાઉન કરવાના વિરોધમાં ચાલી રહેલા આંદોલન સામે ઝૂકી અને તેમનો પગાર ઘટાડો મોકૂફ રાખ્યો છે. આ ડિજિટલ આંદોલનની સફળતા બાદ હવે આ જ પ્રકારના ગ્રેડ વધારા માટે પોલીસ આંદોલન કરે તેવી વકી છે. રાજ્યમાં કામ કરતા પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલના પગારનો ગ્રેડ ઓછો હોવાથી તેઓ સોશિયલ મીડિયા પર પોતાનો અવાજ દર્શાવ્યો છે. હવે પોલીસનું ૨૮૦૦ ગ્રેડ પે આંદોલન સોશિયલ મીડિયામાં છવાઈ ગયું છે. રાજ્યમાં પોલીસ કોન્સ્ટેબલને ૧૮૦૦ રૂપિયાનો ગ્રેડ મળે છે અને હેડ કોન્સ્ટેબલને ૨૦૦૦ રૂપિયાનો ગ્રેડ મળે છે. આ ગ્રેડમાં વધારા માટે હવે પોલીસ મેદાને છે.
શિક્ષકોના મામલે આંદોલન સફળ રહ્યુ હોવાના કારણે હવે શિસ્તબદ્દ પોલીસ ડિપાર્ટમેન્ટ મેદાને આવ્યો છે. ડિજિટલ આંદોલન દ્વારા સોશિયલ મીડિયા દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે કોન્સ્ટેબલને ૨૮૦૦ રૂપિયા અને હેડ કોન્સ્ટેબલને ૩,૬૦૦ રૂપિયાનો ગ્રેડ પે આપવામાં આવે અને એએસઆઈને ૨,૪૦૦ રૂપિયાના ગ્રેડ પે સામે ૪૪૦૦ રૂપિયાનો ગ્રેડ પે આપવામાં આવે.
પોલીસને સમસ્યા અનેક છે પરંતુ તેમની સમસ્યા રજૂ કરવા માટે કોઈ યુનિયન નથી. વધુમાં પોલીસ ડિપાર્ટમેન્ટ શિસ્તબદ્ધ ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે તેના કારણે તેઓ ખુલીને શિક્ષકોની જેમ પોતાનું આંદોલન પણ કરી શકતા નથી તેથી આ ખાતાના કર્મચારીઓ જે ખરેખર નીચલા સ્તરે જમીન સાથે જોડાયેલા છે તેમને પોતાનો અવાજ ઉઠાવવા માટે મંચ મળતો નથી. શનિવારે દિવસભર પોલીસના ૨૮૦૦ ગ્રેડ પે કે પછી ૩૬૦૦ ગ્રેડ પે કે પછી ૪૪૦૦ ગ્રેડ પેને લગતા આંદોલનનો અવાજ રજૂ કરવામાં આવશે. અનુસાશનમાં કામ કરતા પોલીસ વિભાગનો આ પગાર ‘પંચ’ પ્રજા સુધી અને સરકાર સુધી પહોંચાડવામાં આવશે.