હવે બોર્ડની પરીક્ષા આગામી વર્ષથી ફેબ્રુઆરીમાં લેવાશેઃ પરિણામો પણ વહેલા જાહેર કરાશે
અમદાવાદ, ગુજરાત સરકારે રાજ્યની તમામ સ્કૂલોમાં એપ્રિલથી શૈક્ષણિક સત્ર શરૂ કરવાનો ઠરાવ કર્યો છે ત્યારે વર્ષ ૨૦૨૦-૨૧થી બોર્ડની પરીક્ષા વહેલી યોજાશે એટલે કે ૨૦૨૧માં બોર્ડની પરીક્ષા માર્ચને બદલે ફેબુ્રઆરીમાં યોજાશે. ગુજરાત બોર્ડ સીબીએસઈ બોર્ડના પગલે પગલે એકેડમિક યર વહેલુ કરી જુનને બદલે એપ્રિલમાં કરવા સાથે હવે બોર્ડની પરીક્ષાઓ પણ વહેલી કરવાનું આયોજન કરી રહી છે.
સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગઈકાલે રાજ્યની તમામ સ્કૂલોમાં શૈક્ષણિક વર્ષ જુનને બદલે એપ્રિલથી જ શરૂ કરી દેવાનો ઠરાવ કરાયો છે. હાલ સીબીએસઈમાં જે રીતે એપ્રિલથી સ્કૂલો શરૂ થાય છે તે રીતે ગુજરાત બોર્ડની સ્કૂલોમા પણ એપ્રિલથી સ્કૂલો શરૂ કરવા માટે સરકારે નિર્ણય કર્યો હોઈ હવે સીબીએસઈની જેમ ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓ પણ વહેલી કરાશે.
સીબીએસઈ દ્વારા બે વર્ષથી બોર્ડની પરીક્ષાઓ ઘણી વહેલી શરૂ કરાય છે.જેમાં ગત વર્ષ બાદ આ વર્ષે ફેબુ્રઆરીના અંતથી જ મુખ્ય વિષયોની પરીક્ષાઓ શરૂ કરી દેવામા આવનાર છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ગુજરાત બોર્ડની સ્કૂલોમાં શૈક્ષણિક સત્ર એપ્રિલથી શરૂ કરવાનું જાહેર કરતા હવે આગામી શૈક્ષણિક વર્ષથી પ્રાથમિક અને ધો.૯ તથા ૧૧ વાર્ષિક પરીક્ષાઓ માર્ચના અંત સુધીમાં યોજી દેવામા આવશે .
જ્યારે ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા આગામી વર્ષથી માર્ચને બદલે ફેબુ્રઆરીમાં યોજાશે. આજે પ્રા.-મા.શિક્ષણ સચિવ અને બોર્ડના ચેરમેનના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૨૧માં બોર્ડની પરીક્ષાઓ વહેલી યોજાશે. હાલ માર્ચના પ્રથમ સપ્તાહમાં જે પરીક્ષાઓ શરૂ કરાય છે તેના બદલે આગામી વર્ષે ૨૦મી ફેબ્રુઆરી બાદથી પરીક્ષાઓ શરૂ કરવાનું આયોજન કરાશે.
આ માટે બોર્ડનું એકેડમિક કેલેન્ડર પણ નવેસરથી તૈયાર કરાશે. પ્રા.મા.શિક્ષણ સચિવ વિનોદ રાવે જણાવ્યું કે બોર્ડની પરીક્ષાઓ વહેલી યોજવા સાથે પરિણામો પણ વહેલા જાહેર કરી દેવાશે. જે રીતે સીબીએસઈ દ્વારા એપ્રિલમાં પરિણામો જાહેર કરી દેવાય છે તે રીતે પરિણામો વહેલા જાહેર કરી દેવાશે અને ત્યારબાદ ધો.૧૦-૧૨ પછીના પ્રોફેશનલ-ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ પણ વહેલા થશે.