હવે બ્રિટનથી આવતા દરેક પ્રવાસીએ 10 દિવસ આઇસોલેટ થવું પડશે
નવી દિલ્હી, બ્રિટનમાં ભારતીય પ્રવાસીઓ પર ચાલી રહેલા કોરોના પ્રતિબંધનો ભારતે વળતો જવાબ પણ આપ્યો છે. હવે બ્રિટનથી આવતા પ્રવાસીઓને ભારતમાં 10 દિવસ માટે આઇસોલેશનમાં રહેવું પડશે. સરકારે શુક્રવારે આ આદેશ જાહેર કર્યો છે. આના સિવાય, UKના લોકોએ પણ RT-PCR ટેસ્ટમાંથી પસાર થવું પડશે.
નવા જાહેરનામા પ્રમાણે વેક્સિનના બંને ડોઝ લીધા હોવા છતા પણ પ્રવાસીએ ટેસ્ટ કરાવવો પડશે. પ્રવાસીએ મુસાફરીની શરૂઆતના 72 કલાક પહેલા અને પહોંચ્યા પછી 8 દિવસો સુધી RT-PCR પરીક્ષણ કરાવવું જરૂરી રહેશે. આ આદેશ 4 ઓક્ટોબરથી અમલમાં આવશે.
બ્રિટને કોવશિલ્ડને માન્યતા તો આપી દીધી છે, પરંતુ ભારતીયો માટે કેટલીક શરતો ઉમેરી છે. ભારતે આ અંગે નારાજગી પણ વ્યક્ત કરી હતી. નવા નિયમો અનુસાર, કોવીશિલ્ડ વેક્સિનના બંને ડોઝ મેળવનારા ભારતીયોને UK પહોંચ્યા બાદ પણ 10 દિવસ સુધી ક્વોરન્ટીન રહેવું પડશે અને ટેસ્ટ પણ કરાવવા પડશે.
ભારતીય નાગરિકોએ બ્રિટનના આ નિર્ણયને વંશીય ગણાવ્યો હતો. આના જવાબમાં બ્રિટને કહ્યું હતું કે કોવિશીલ્ડ મેળવનારાઓ સાથે તેમને કોઈ સમસ્યા નથી. તેઓ ભારતના વેક્સિન સર્ટિફિકેટ પર વિશ્વાસ કરી શકતા નથી.