હવે બ્રિટનમાં સંબંધીઓને ફેમિલી વિઝા પર સ્પોન્સર કરવાનું મોંઘુ થશે
ભારતમાં બ્રિટનના નવા રાજદૂત તરીકે લિન્ડી કેમરૂનની નિયુક્તિ
પોતાના પરિવારના સભ્યોને બ્રિટન બોલાવવા માગતા લોકોની ન્યૂનતમ વાર્ષિક આવક ૨૯,૦૦૦ પાઉન્ડ હોવી જરૂરી
લંડન, બ્રિટને પોતાના સંબંધીઓને ફેમિલી વિઝા પર સ્પોન્સર કરવા ઈચ્છતા લોકો માટે જરૂરી લઘુતમ આવકની મર્યાદામાં ગુરૂવારથી ૫૫ ટકા જેટલો જંગી વધારો કર્યો છે. બ્રિટનના આ નિર્ણયને પગલે ભારતીય સહિત અન્ય મૂળના બ્રિટિશ નાગરિકો તથા વસાહતીઓ માટે ફેમિલી વિઝાના માધ્યમથી પોતાના સંબંધીઓને સ્પોન્સર કરવાનું મુશ્કેલ બનશે. ગયા વર્ષે સરકાર દ્વારા જાહેર કરાયેલ પગારની મર્યાદામાં વધારો કરાયાને પગલે આ નિર્ણય લેવાયો છે. ગુરૂવારથી અમલી બનેલા આ નવા વધારાને પગલે ફેમિલી વિઝાના માધ્યમથી પોતાના કોઈ સંબંધીને યુનાઈડેટ કિંગડમ બોલાવવા માટે સ્પોન્સરશિપ કરવા ઈચ્છતા વ્યક્તિનું લઘુતમ વાર્ષિક વેતન ૨૯,૦૦૦ પાઉન્ડ હોવું ફરજિયાત બનાવાયું છે.
અગાઉ આ શ્રેણી હેઠળ લઘુતમ વાર્ષિક વેતન ૧૮,૬૦૦ પાઉન્ડ હતું. આવતા વર્ષથી આ વેતનની આ લઘુતમ જરૂરિયાતને સ્કીલ્ડ વર્કર વિઝાની શ્રેણી માટે નક્કી કરાયેલી ૩૮,૭૦૦ પાઉન્ડની ટોચમર્યાદાને સમકક્ષ બનાવવા તેમાં પણ બે ગણો વધારો કરાશે. બ્રિટનના ગૃહ વિભાગે આ નવા નિયમો અંગે જણાવ્યું હતું કે, દેશમાં કાયદેસરના વસાહતીઓની સંખ્યા પર નિયંત્રણ મુકવા તથા અહીં આવતા લોકો દેશના કરદાતાઓ પર ભારરૂપ ના બને તે માટે વડાપ્રધાન રિશી સુનક તથા ગૃહ મંત્રી જેમ્સ ક્લેવરલીની યોજના અંતર્ગત તેનો અમલ કરાયો છે. ક્લેવરલીએ જણાવ્યું હતું કે, વિદેશી વસાહતીઓના મામલે હવે આપણી ટોચમર્યાદા આવી ગઈ છે.
જોકે જ્યારે આ યોજના બ્રિટિશ સંસદમાં રજૂ કરાઈ ત્યારે બ્રિટનના વિરોધ પક્ષો દ્વારા તેની આકરી ટીકા કરાઈ હતી. સુનકે આ નવા નિયમો અંગે જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ તેમના પરિવારના લોકોને આ દેશમાં લાવવા ઈચ્છતા હોય તો તેઓ તેમને મદદ કરી શકે તેટલાં સક્ષમ હોવા જોઈએ. અમે વેતનની ટોચમર્યાદામાં બે તબક્કામાં નોંધપાત્ર વધારો કરી રહ્યાં છીએ.
ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, લઘુતમ આવકની જરૂરિયાતમાં કરાયેલો વધારો તબક્કાવાર અમલી બનાવાયો હોઈ તેનાથી સ્પોન્સર કરનાર પરિવારો આયોજનપૂર્વક વિઝાની પ્રક્રિયામાં આગળ વધી શકશે અને બ્રિટન આવતા તેમના પરિવારોની આર્થિક સલામતી સુનિશ્ચિત બનશે. બ્રિટને લિન્ડી કેમરુનની ભારતમાં પોતાના નવા રાજદૂત તરીકે નિયુક્તિ કરી છે. લિન્ડી કેમરૂન એલેક્સ એલિસનું સ્થાન લેશે. એલેક્સ એલિસની વિદેશ વિભાગની અન્ય સેવામાં બદલી કરાશે. લિન્ડી કેમરુપ ભારતની બ્રિટિશ હાઇકમિશનર તરીકે નિયુક્ત પ્રથમ મહિલા છે. લિન્ડી કેમરૂન આ મહિનામાં પોતાની જવાબદારી સંભાળી લેશે. એ ૨૦૨૦થી યુકેના નેશનલ સાયબર સિક્યોરિટી સેન્ટરના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે કાર્યરત છે.ss1