હવે ભારતમાં અઠવાડિયાથી કોરોનાનો ગ્રાફ લગભગ સ્થિર

Files Photo
નવી દિલ્હી: ભારતમાં પાછલા ત્રણ અઠવાડિયાથી કોરોનાનો ગ્રાફ સ્થિર રહ્યો છે. પાછલા સાત દિવસમાં નોંધાયેલા કેસ પાછલા બે અઠવાડિયા દરમિયાન નોંધાયેલા કેસ જેટલા જ છે. પાછલા બે અઠવાડિયા કરતા આ વખતે કોરોનાથી થયેલા મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો છે. એટલે કે અગાઉના અઠવાડિયા અને પાછલા અઠવાડિયા દરમિયાનના આંકડામાં ફેરફાર છે. પાછલા અઠવાડિયા (૨૨થી ૨૯ નવેમ્બર) દરમિયાન ૨,૯૧,૯૦૩ નવા કેસ નોંધાયા છે, જ્યારે આ પહેલાના અઠવાડિયે (૮થી ૧૫ નવેમ્બર) દરમિયાન ૨,૯૨,૫૪૯ કેસ નોંધાયા હતા,
જ્યારે ૧૫થી ૨૨ નવેમ્બર દરમિયાન ૨,૯૨,૪૭૪ કેસ નોંધાયા હતા, અને મહિનાની શરુઆતના અઠવાડિયા વખતે એટલે કે ૧થી ૮ નવેમ્બર વખતે ૩,૨૪,૪૭૪ કેસ નોંધાયા હતા. પાછલા ૭ દિવસમાં દેશમાં કોરોનાના કારણે ૩,૩૮૮ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ પહેલાના અઠવાડિયે ૩,૬૪૧ મૃત્યુ નોંધાયા હતા અને તેના પહેલાના અઠવાડિયે આ આંકડો ૪,૦૭૬ હતો. રવિવારે દેશમાં કોરોનાના કેસનો આંકડો ૪૦,૦૦૦ની નીચો ગયો હતો. જ્યાં કોરોના ઈન્ફેક્શનના ૩૯,૧૯૨ કેસ નોંધાયા છે,
રાજ્ય સરકારો દ્વારા મેળવવામાં આવતા આંકડામાં જોવા મળ્યું કે શુક્રવારથી કોરોના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો હતો. પાછલા ત્રણ દિવસમાં કોરોના વાયરસથી થનારા મૃત્યુઆંકમાં પણ ઘટાડો નોંધાયો છે જેમાં ગઈકાલે ૪૪૫, શનિવારે ૪૯૦ અને શુક્રવારે ૪૮૧ લોકોએ દેશમાં કોરોનાના કારણે જીવ ગુમાવ્યો હતો. ભારતમાં નવા કેસના આંકડામાં ઘટાડો નોંધાવાની સાથે એક્ટિવ કેસના આંકડામાં પણ ઘટાડો થઈ રહ્યો છે, હવે દેશમાં ૪.૫ લાખ એક્ટિવ કેસ છે, અને બે દિવસથી તેમાં ઘટાડો નોંધાયો છે.
આ પહેલા ૨૧ નવેમ્બરથી એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો હતો. સતત બીજા દિવસ કેરળમાં એક દિવસના સૌથી વધારે કેસ નોંધાયા છે, રવિવારે અહીં ૫,૬૪૩ કેસ નોંધાયા છે. આ પછી મહારાષ્ટ્ર (૫,૫૪૪) અને દિલ્હી (૪,૯૦૬)નો નંબર આવે છે. જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી વધારે ૮૫ લોકોએ પાછલા ૨૪ કલાકમાં જીવ ગુમાવ્યો છે, જ્યારે દિલ્હીમાં ૬૮ અને પશ્ચિમ બંગાળમાં ૫૪ લોકોએ જીવ ગુમાવ્યો છે.
આખા ભારતમાં આંધ્રપ્રદેશનો રિકવરી રેટ સૌથી ઊંચો છે, રાજ્યમાં રવિવાર સુધીમાં ૯૮.૨% દર્દીઓએ કોરોના વાયરસને હરાવી દીધો છે. ભારતમાં પણ કોરોનાના કેસની સંખ્યા ઘટતા એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.