હવે માત્ર ૧૦ સેકંડમાં જ કોરોના પોઝિટિવની ઓળખ થઇ જશે
અંકારા, દુનિયાભરમાં કેટલાક દેશોએ ભલે કોરોનાની વેક્સિન તૈયાર કરી લીધી હોય, પણ કઇ વ્યક્તિને કોરોનાનું સંક્રમણ લાગ્યુ છે અને કઇ વ્યક્તિને સંક્રમણ નથી થયુ તે જાણવુ સૌથી વધુ મહત્વનું છે. એ જાણકારી મેળવવામાં ઘણો સમય પણ જતો રહે છે. આ સમસ્યાનું પણ હવે સમાધાન થઇ ગયું છે.
કારણ કે, તુર્કી યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક એવી ટેસ્ટિંગ કિટથી સંશોધન કર્યું છે, જેની મદદથી હવે માત્ર ૧૦ જ સેકન્ડમાં કોરોના પોઝિટિવ વ્યક્તિની ઓળખ થઇ શકશે. બિલકેન્ટ યુનિવર્સિટીના સંશોધકોએ આ ડાયગ્નોસ્ટિક કિટને ડાયગ્નોવિયર નામ આપ્યું છે.
વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, કોરોના સંક્રમણની ઓળખ કરવા માટે આ કિટમાં નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેની મદદથી હવે માત્ર ૧૦ જ સેકન્ડમાં પરિણામ મળી જશે. તેમણે ટેસ્ટિંગ પ્રક્રિયા અંગેની જાણકારી આપતાં જણાવ્યું કે, તેમાં સૌથી પહેલાં દર્દીના મોમાંથી સ્વેબ (લાળનું સેમ્પલ) લેવામાં આવે છે.
દર્દીના મોંમાંથી સ્વેબ લીધા બાદ તેને એક કેમિકલમાં ભેળવવામાં આવે છે. ત્યાર પછી તેને પેથોજન ડિટેક્શન ચિપમાં જાેડવામાં આવે છે. ત્યારબાદ આ ચિપ ઓપ્ટિકલ રીતે આ નમૂનાનું પરીક્ષણ કરે છે. એક બિપ સિગ્નલ મારફતે પોઝિટિવ કે નેગેટિવના રિપોર્ટ અંગેની જાણ થાય છે.
બિલકેન્ટ યુનિવર્સિટીના રેક્ટર અબ્દુલ્લા અતલાર જણાવે છે કે, કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ હોય તો માત્ર પાંચથી ૧૦ સેકન્ડમાં જ તેનું પરિણામ મળી જાય છે. જ્યારે જે વ્યક્તિમાં કોરોનાનું સંક્રમણ ન હોય તેનો કોરોના અંગેનો નેગેટિવ રિપોર્ટ પણ ૨૦ સેકન્ડમાં મળી જાય છે.