હવે લગ્ન પ્રસંગોમાં ૨૦૦ને ભેગા થવાની મંજૂરી અપાઈ
ગાંધીનગર: કોરોનાના કેસો ઘટી રહ્યા છે, ત્યારે અનલોકની પ્રક્રિયામાં પણ વધુને વધુ છૂટછાટ અપાઈ રહી છે. જેના અનુસંધાને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર, ગુજરાત સરકારે પણ લગ્નપ્રસંગમાં ૨૦૦ લોકોને ભેગા થવાની છૂટ આપી છે.અત્યારસુધી લગ્નપ્રસંગમાં ૧૦૦ લોકો જ ભેગા થઈ શકતા હતા. જેમાં હવે વધારો કરવામાં આવ્યો છે. જોકે, બંધ હોલમાં જો લગ્નપ્રસંગ હોય તો હોલની કેપેસિટીના અડધા લોકો જ ભેગા થઈ શકેશે.સરકારે એવી પણ સ્પષ્ટતા કરી છે કે છૂટ ભલે ૨૦૦ લોકોને એકત્ર થવાની આપી હોય, પરંતુ તેમાં માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે.
લગ્ન અને મરણ જેવા પ્રસંગોમાં જ સૌથી વધુ લોકો એકત્ર થતા હોય છે. જોકે, ભીડભાડમાં કોરોના વધુ ફેલાતો હોવાના કારણે સરકારે તેના પર આકરા નિયંત્રણો લાદ્યા હતા. બીજી તરફ, લોકડાઉન અને કોરોનાને કારણે અનેક લગ્નપ્રસંગો પણ રદ્દ થયા હતા. સપ્ટેમ્બર મહિનાની સરખામણીમાં ઓક્ટોબરમાં ગુજરાતમાં કોરોનાના કેસોમાં ખાસ્સો ઘટાડો થયો છે. ગઈકાલે રાજ્યમાં ૯૦૦થી ઓછા નવા કેસો નોંધાયા હતા. નવા કેસોમાં ઘટાડો થવાની સાથે રિકવરી રેટમાં વધારો થયો છે, અને મૃત્યુદરમાં પણ ઘટાડો નોંધાયો છે.
કોરોનાને કારણે આ વર્ષે ગુજરાતમાં નવરાત્રીમાં ગરબા માટે છૂટ પણ નહોતી અપાઈ. હવે દિવાળીના તહેવાર પણ નજીક આવી રહ્યા છે, ત્યારે પણ લોકોને બને ત્યાં સુધી ઘરે રહીને જ ઉજવણી કરવા અપીલ કરવામાં આવી રહી છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને પણ તાજેતરમાં ચેતવણી આપી હતી કે તહેવારોમાં લોકો ઘરોની બહાર વધુ નીકળશે અને તેનાથી કોરોનાના કેસ વધી શકે છે. તેમણે તહેવારોના સમયમાં સાચવી લઈને અત્યારસુધીની કોરોનાની લડત પર પાણી ન ફરી જાય તે સુનિશ્ચિત કરવા પણ લોકોને અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કેરળમાં ઓણમના તહેવાર બાદ કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો નોંધાયો છે, અને અત્યારે તો સ્થિતિ એવી છે કે કેરળમાં સૌથી વધુ કેસ ધરાવતા મહારાષ્ટ્ર કરતાં પણ વધુ રોજિંદા નવા કેસો સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં પણ ગણેશોત્સવ બાદ કોરોનાના કેસોમાં જંગી ઉછાળો આવ્યો હતો. એક તરફ શિયાળો પણ શરુ થઈ રહ્યો છે, અને ઠંડી તેમજ પ્રદૂષણમાં કોરોના વધુ વકરી શકે તેવી ચેતવણી એક્સપર્ટ્સ આપી ચૂક્યા છે.
દિલ્હીમાં પણ હવે કોરોનાના કેસો વધી રહ્યા છે. યુરોપ તેમજ અમેરિકામાં પણ કોરોનાનો બીજો રાઉન્ડ શરુ થયો છે. તેવામાં ભારતમાં કોરોના સામેની લડાઈ પૂરી થઈ ગઈ છે તે માનવાને કોઈ કારણ નથી. તેવામાં તેનાથી બચવાનો એકમાત્ર ઉપાય હાલ તો સાવધાની જ છે.