Western Times News

Gujarati News

હવે લુખ્ખા તત્વો મહિલાઓની પાછળ રોમિયોગીરી નહિ કરી શકે

અમદાવાદ, અમદાવાદની મહિલાઓનું સુરક્ષા કવચ વધારવા પોલીસે પ્રાયોગિક ધોરણે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેમાં મહિલાઓ પાસે મહિલા સુરક્ષા સર્વે કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં હવે ગુનેગારો મહિલાઓ માટેનું આ સુરક્ષા કવચ નહિ ભેદી શકે.

દિવસેને દિવસે વધી રહેલી ક્રાઈમની ઘટના ઓ વચ્ચે અમદાવાદની મહિલાઓને વધુ સુરક્ષા કેવી રીતે આપી શકાય તેને લઈને અમદાવાદ પોલીસ બેડામાં એક બેઠક યોજાઈ હતી. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ સીપી પ્રેમવીર સિંહ અને સ્પેશ્યલ બ્રાન્ચના એસીપી રીમા મુન્શી સાહિતના અધિકારીઓની ચર્ચા વિચારણાના અંતમાં અમદાવાદની મહિલાઓનો સુરક્ષા સર્વે કરવાનું નક્કી કરાયુ છે.

જેમાં ઓનલાઈન ગૂગલ ફોર્મ બનવવામાં આવ્યું છે. આ ફોર્મમાં એક ડઝનથી પણ વધુ પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. જે મહિલાઓની રોજિંદી લાઈફ તથા સુરક્ષા સાથે જાેડાયેલા છે. આ ફોર્મ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકાયુ છે. આ ગૂગલ ફોર્મ અમદાવાદ શહેર પોલીસના ટ્‌વીટર હેન્ડલ પર જાહેરમાં મૂકવામાં આવ્યુ છે.

શહેરના પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ સરવે વિશે જણાવ્યું કે, સરવેમાં કુલ ૧૫ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મહિલાઓને વિવિધ પ્રશ્નો પૂછાયા છે. મહિલાઓએ જાહેર પરિવહનનો ઉપયોગ કરતા હોય તો ક્યારેય અસુરક્ષિત મહેસૂસ કર્યું છે? દિવસના કયા સમયગાળા દરમિયાન અસુરક્ષિતતાનો અનુભવ વધુ થાય છે? કઇ જાહેર જગ્યાઓએ અથવા રોજીંદી પ્રવૃત્તિ દરમિયાન ઘરની બહાર નીકળો તો કયા સ્થળે અસુરક્ષિતતા અનુભવે છે? જેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે.

આ જવાબ મેળવીને અમે તેમના માટે વધુ સુરક્ષિત વાતાવરણ બનાવી શકીશું.લાઇટિંગના પ્રશ્નો, અંધારાવાળા સ્થળો, યોગ્ય સંકેતિક બોર્ડનો અભાવ, જાહેર જગ્યાની યોગ્ય જાળવણીનો અભાવ, ભીડભાડવાળા સ્થળો, અસરકારક ગાર્ડ, પોલીસ અભાવ અથવા અન્ય કારણ સહિતના સવાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ૨૨ હજાર મહિલાઓ આ મહિલા સુરક્ષા સર્વે ભરી ચૂકી છે. આ સર્વેના અંતે શહેર પોલીસ કઈ કઈ જગ્યાએ પોલીસનું પેટ્રોલિંગ વધારવુ તેમજ અન્ય વ્યવસ્થા ઉભી કરશે.

આ સરવે વિશે ક્રાઈમ બ્રાન્ચના એડિશનલ સીપી પ્રેમવીર સિંહે જણાવ્યું કે, રોજેરોજ અખબાર કે ટીવી ચેનલોમાં મહિલા સાથે થતા અત્યાચાર, છેડતી, બળાત્કાર કે અન્ય પ્રકારના કિસ્સા તમે સાંભળ્યા હશે.

આવા કિસ્સાઓમાં પોલીસ ગુના નોંધી આરોપીની ધરપકડ કરે છે. પણ આવા બનાવો બને છે કેમ તે સવાલ પર પોલીસે વિચાર્યું અને તેના માટે હવે મહિલા સુરક્ષા સરવે હાથ ધર્યો છે. શહેર પોલીસ છેલ્લા ઘણા સમયથી મહિલાઓની સુરક્ષા માટે શી ટીમની રચના કરી ચૂકી છે.

આ ટીમ સતત ગાર્ડન, પબ્લિક પ્લેસ તથા અન્ય જગ્યાઓ પર જઇ મહિલાઓનું ધ્યાન રાખી રહી છે. ત્યારે હવે અમદાવાદ શહેર પોલીસે મહિલા સુરક્ષા સર્વે શરૂ કરી પોતાની સંવેદનશીલતા બતાવી છે. અમદાવાદ શહેર સેફ સિટી પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓને વધુ સુરક્ષા પ્રદાન કરવા માટે આ સર્વે હાથ ધરાયો છે.

આ સર્વેમાં પોતાના મત વ્યક્ત કરનાર મહિલાઓની ઓળખ અંગે સંપૂર્ણ ગુપ્તતા પણ જાળવવામાં આવે છે. આ તમામ સવાલ પૂછવા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો તો એવી વિગતો સામે આવી જેનાથી પોલીસ પર મહિલાઓને ગર્વ થશે. કોઇ પણ સમસ્યા હોય તો પોલીસ તેના હોટસ્પોટ નક્કી કરી શકે. જાહેર જગ્યાએ કયા પ્રકારની અનિચ્છનીય વર્તણૂંકનો અનુભવ થયો છે તેના વિવિધ વિકલ્પો પરથી પોલીસ આગામી દિવસમાં તેના પર કામગીરી કરશે

. અમદાવાદ શહેરમાં વિવિધ વય જૂથની, અગલ-અલગ સેક્ટર્સમાં કાર્યરત, ગૃહિણીઓ તથા શાળા-કોલેજમાં ભણતી તમામ મહિલાઓ, કે જેની ઊમર ૧૨ વર્ષથી વધુ છે તે આ સર્વેમાં ભાગ લઇ રહી છે. મહિલાઓ સ્વબચાવ અંગે કેટલી જાગૃત છે તે અંગે પણ તેમાં પ્રશ્નોત્તરી કરાઇ છે. મહિલાઓ તરીકે કયા પ્રકારના સામાજિક દુષણોનો અનુભવ થયો છે તે પણ જાણકારી પોલીસ આ સર્વેથી મેળવી રહી છે.

હાલમાં આ સર્વેની લિંક અમદાવાદ શહેર પોલીસે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકી છે. સાથે જ અમદાવાદ શહેર પોલીસની ટીમ દ્વારા આ સર્વે અંગે જાગૃતિ લાવીને કામગીરી કરાઇ રહી છે. ૨૮ ડિસેમ્બર ૨૦૨૧ થી શરૂ કરાયેલ આ સર્વે ૧૨ જાન્યુઆરી ૨૦૨૨ સુધી શરૂ રહેશે. જેમાં અત્યાર સુધીમાં અંદાજે ૨૨ હજાર મહિલાઓએ ભાગ લીધો છે.

આ સર્વેના આધારે ઉમર પ્રમાણે મહિલાઓનુ ગૃપિંગ, તથા ગૃહિણીઓ અને કામકાજ કરતી મહિલાઓ તથા તેમના પ્રશ્નો અંગેની વહેંચણી કરાશે. સાથે જ ફુટપાથ, રોડસાઇડ, પબ્લિક ટ્રાન્સપોર્ટના સ્ટેશન, જાહેર બાગ-બગીચા, ચાર રસ્તા અને અન્ય જાહેર કચેરીઓ જેવી જે જગ્યાઓ અસુરક્ષિત છે તેનું મેપિંગ કરી તેની પાછળના કારણો પોલીસ જાણશે અને તેના પર કામગીરી કરાશે. સાથે જ મહિલાઓ કામકાજના સ્થળે, શાળા, કોલેજમાં કઇ મૂળભૂત સેવાઓની અપેક્ષિતતા રાખે છે તેનો પણ સર્વે કરાશે.

સાથે જ મહિલા ઓ સ્વરક્ષણ અંગે કાયદાકીય જાેગવાઇઓ અંગે કેટલીક જાગૃતતા ધરાવે છે તેની પણ પોલીસ વિગતો મેળવશે. આ સર્વેના પરિણામ આગામી સમયમાં મહિલા સુરક્ષા અંગેના ફ્રેમવર્ક ડિઝાઇન કરવા માટે આધાર તરીકે ઉપયોગમાં પણ લેવાશે અને મહિલાઓ માટેની શી ટીમ, વન સ્ટોપ સેન્ટર, અભયમ હેલ્પલાઇન, પેનિક બટન, સાઇબર યુનિટ યોગ્ય અને પ્રભાવી સંકલન કરીને અમદાવાદ શહેર પોલીસ મહિલા સુરક્ષાની દ્રષ્ટિએ વધુ અસરકારક તથા પરિણામ લક્ષી કામગીરી કરશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.