હવે વાલીઓ ફી નહીં ભરે તો વિદ્યાર્થીનું એડમિશન રદ થશે
અમદાવાદ: કોરોના મહમારીમાં મધ્યમ વર્ગના લોકોની પરિસ્થિતિ હાલ ખૂબ જ કફોડી જાવા મળી રહી છે. ત્યારે આ મહામારીને લઈ સરકાર દ્વારા રાજયની તમામ શાળાઓમાં ફી રાહત આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પરતું હજી પણ શહેરની ઘણી શાળાઓમાં બાળકોની ફી માં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. સરકાર દ્વારા ઘડવામાં આવેલા કાયદાને તમામ શાળાઓ ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે.
આ ઊંચી ફી ઉઘરાવતી શાળાઓને અંકુશમાં લેવા સરકાર નિષ્ફળ રહી છે. રાજ્યની કેટલીક ખાનગી શાળાઓ ચાલુ વર્ષની શૈક્ષણિક ફી લેવા માટે વાલીઓ પર દબાણ કરતી હોવાની રજૂઆતો અને અહેવાલોના પગલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ થોડાક દિવસો પહેલા સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, કોઈપણ શાળા સંચાલકો વિદ્યાર્થીઓ કે વાલીઓને ચાલુ વર્ષની શૈક્ષણિક ફી તાત્કાલિક વસૂલ કરવા દબાણ કરી શકશે નહીં.
૧૩મી એપ્રિલના રોજ રાજ્યના શાળા સંચાલક મંડળના આગેવાનોની રાજ્ય સરકાર સાથે થયેલી સમજૂતી મુજબ વાલીઓ શૈક્ષણિક ફી આગામી સપ્ટેમ્બર માસ સુધીમાં, માસિક હપ્તા કે પોતાની અનુકૂળતા મુજબ ભરી શકશે. આ સમજૂતી મુજબ જ શાળા સંચાલકોએ વાલીઓ પાસેથી ચાલુ વર્ષની શૈક્ષણિક ફી વસૂલ કરવાની રહેશે. આમ છતાં પણ જાે કોઈ ખાનગી શાળાએ ફી અંગે કોઈ દબાણ કર્યું હોવાની ફરિયાદ મળશે તેવા કિસ્સામાં શિક્ષણ વિભાગ જે-તે શાળા સામે નિયમાનુસાર કાર્યવાહી કરશે. જયાં આવી ફરિયાદ મળી છે ત્યાં નોટિસ આપવામાં આવી છે, તેમ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે.
પરતું સરકારની આ સૂચનાને શહેરની ઘણી એવી શાળાઓ ઘોળીને પી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. શહેરની ઘણી શાળાઓમાંથી હાલ જ ફી ભરવા માટેની સૂચના આપવામાં આવી હતી, જેથી વાલીઓ પોતાના બાળકના ભવિષ્યની ચિંતા હોવાના કારણે તેઓએ જેમ તેમ કરીને શાળાને ફી આપી હોવાની ઘણી એવી ફરિયાદો સામે આવી રહી છે.
થોડાક દિવસો પહેલા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, શૈક્ષણિક ફી સિવાયની ટ્રાન્સપોર્ટેશન, પુસ્તકો કે અન્ય સ્ટેશનરી અંતર્ગત પણ કેટલીક શાળાઓ ફી ઉઘરાવતી હોવાની ફરિયાદો મળતી હોય છે ત્યારે શાળાઓ યુનિફોર્મ, પુસ્તકો કે ટ્રાન્સપોર્ટેશન જેવી અન્ય કોઈપણ ફી માટે વાલીઓ પર દબાણ કરી શકશે નહીં અને જા આવું દબાણ થતું હોવાની ફરિયાદો મળશે તો તેની સામે પણ નિયમાનુસાર કાર્યવાહી કરાશે.