હવે શુદ્ધ સરસવનું તેલ મળશેઃ સરકારે તમામ પ્રકારની ભેળસેળ પર પ્રતિબંધ લગાવ્યો
નવી દિલ્હી, અત્યાર સુધીમાં આપને બજારમાં ભેળસેળવાળુ સરસવનું તેલ મળતુ હતું. પણ હવે આવુ નહીં થાય. કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે, હવે ગ્રાહકોને વેચવામાં આવતા સરસવનું તેલ ફક્ત શુદ્ધ હોય તેવુ જ વેચી શકાશે. જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં બજારમાં મળતા તેલમાં 20 ટકા જ ખાવાનું તથા બાકીનું અન્ય તેલ ભેળસેળવાળુ આવતુ હતું.
સરકારે આ માટે FSSAI આદેશ કર્યો છે. આ દિશા-નિર્દેશને એક ઓક્ટોબરથી લાગૂ કરવામાં આવશે. હાલમાં સરસવ તેલમાં 20 ટકા સુધી અન્ય ખાવાનું તેલ મિલાવટ કરવાની મંજૂરી છે. પણ આ નિયમમાં ફેરફાર કર્યા બાદ હવે આવુ થઈ શકશે નહીં. હવે શુદ્ધ સરસવ તેલનું જ વેચાણ થશે.
નિષ્ણાંતોનું કહેવુ છે કે, છેલ્લા થોડા સમયમાં સરસવ તેલની કિંમતોમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. ત્યારે આવા સમયે આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે, આ તેલમાં હવે ભેળસેળ વધી ગઈ છે. તેને રોકવા માટે સરકારે આ પગલુ ભર્યુ છે. ખાવાના તેલમાં ભેળસેળની ખબરો આવતા તેની તપાસ માટે ખાદ્ય સુરક્ષા નિયામક FSSAIએ ગત અઠવાડીયે કેટલાય શહેરોમાં અલગ અલગ જગ્યાએ તેલના સેમ્પલ લઈ તેની તપાસ હાથ ધરી હતી. જેના માટે 4500થી વધારે નમૂના લીધા હતા. આ સેમ્પલને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.