હવે સાયન્સમાં ગ્રૂપ બદલીને પણ અભ્યાસ કરી શકાશે
જોગવાઈમાં ફેરફારને પગલે સાયન્સ તરફ વિદ્યાર્થીઓ આકર્ષાશે
ધો.૧૧ સાયન્સમાં પાસ થયેલો વિદ્યાર્થી ધો.૧૨ સાયન્સમાં ગમે તે ગ્રૂપ લઈ શકશે
અમદાવાદ,
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાની જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો છે. જેમાં હવે ધો.૧૧ સાયન્સમાં પાસ થયેલો વિદ્યાર્થી ધો.૧૨ સાયન્સમાં ગમે તે ગ્રૂપ પસંદ કરી અભ્યાસ કરી શકશે. આ ઉપરાંત ધો.૧૧ સાયન્સમાં બીજા સત્રના અંત સુધીમાં પણ ગ્રૂપ બદલી અભ્યાસ કરી શકે તેવી જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ધો.૧૨ સાયન્સમાં ગ્રૂપ- B નાપાસ થયેલો વિદ્યાર્થી પુનઃ પરીક્ષાર્થી તરીકે ગ્રૂપ-A અથવા ગ્રૂપ-AB પસંદ કરી શકશે. જ્યારે ધો.૧૨ સાયન્સમાં ગ્રૂપ-મ્માં પાસ વિદ્યાર્થી પૂરક પરીક્ષામાં ગણિત વિષય સાથે પૃથ્થક વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી શકે તેવી જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષાની જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો છે.
આ સુધારાના પગલે વિદ્યાર્થીઓને મોટા પ્રમાણમાં લાભ થશે. પરીક્ષાની જોગવાઈમાં સુધારો કરવા માટે સરકાર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી. દરખાસ્તના અનુસંધાને શિક્ષણ વિભાગે ઠરાવ બહાર પાડ્યો છે. જેમાં પરીક્ષાને લઈને મહત્વના સુધારા કરવામાં આવ્યા છે. શિક્ષણ બોર્ડની પરીક્ષાની જોગવાઈમાં કરવામાં આવેલા સુધારામાં બોર્ડની મુખ્ય પરીક્ષામાં ધો.૧૨ સાયન્સમાં ગ્રૂપ-B સાથે પાસ થયેલા વિદ્યાર્થી ઈચ્છે તો જે વર્ષે ગ્રૂપ-B સાથે પરીક્ષા પાસ કરી છે તે વર્ષની મુખ્ય પરીક્ષા પછીની તરત જ આવતી પૂરક પરીક્ષા અથવા તો તે પછીના વર્ષાેની મુખ્ય પરીક્ષા અથવા પૂરક પરીક્ષા ધો.૧૨ ગણિત વિષય સાથે પૃથ્થક વિદ્યાર્થી તરીકે આપી શકશે. હાલના નિયમમાં આ પ્રકારની જોગવાઈ ન હતી. પરંતુ સુધારેલી જોગવાઈ અનુસાર આ જોગવાઈ કરવામાં આવી છે.
જેથી B ગ્રૂપના વિદ્યાર્થીઓ વર્ષ બગાડ્યા વગર જ ગણિત સાથે પરીક્ષા પાસ કરી ઈજનેરી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકશે. આ ઉપરાંત હાલની જોગવાઈ અનુસાર, બોર્ડની જાહેર પરીક્ષાનો પુનઃ પરીક્ષાર્થી વિષય જૂથની મર્યાદામાં વિષય ફેરફાર કરી શકશે. પરંતુ સુધારેલી જોગવાઈ અનુસાર, બોર્ડની જાહેર પરીક્ષાનો પુનઃ પરીક્ષાર્થી વિષય જૂથની મર્યાદામાં વિષય ફેરફાર કરી શકશે તથા ધો.૧૨ સાયન્સમાં ગ્રૂપ-B સાથે નાપાસ થયેલા વિદ્યાર્થી પુનઃ પરીક્ષાર્થી તરીકે ગ્રૂપ- B બદલે ગ્રૂપ-A અથવા ગ્રૂપ- AB પસંદ કરી પરીક્ષા આપી શકશે. જેથી વિદ્યાર્થી નાપાસ થયા બાદ પોતાનો ગ્રૂપ બદલીને બાકીના બે ગ્રૂપ પૈકી ગમે તે ગ્રૂપ લઈ શકશે. હાલની જોગવાઈ અનુસાર ધો.૧૧ સાયન્સનો વિદ્યાર્થી પ્રથમ સત્રના અંત સુધીમાં ગ્રૂપ-A, B અને AB થી કોઈ પણ ગ્રૂપ બદલીને ફેરફાર કરી શકશે.
જોકે, સુધારેલી જોગવાઈ અનુસાર ધો.૧૧ સાયન્સનો વિદ્યાર્થી પ્રથમ સત્રના અંત સુધીમાં અથવા બીજા સત્રના અંત સુધીમાં ગ્રૂપ-A અથવા ગ્રૂપ-B અથવા ગ્રૂપ- ABથી કોઈ પણ ગ્રૂપ બદલીને ધો.૧૧નો અભ્યાસ કરી શકશે. ઉપરાંત જો કોઈ વિદ્યાર્થી ધો.૧૧ સાયન્સમાં ગ્રૂપ-A અથવા ગ્રૂપ-B અથવા ગ્રૂપ-AB સાથે ઉત્તિર્ણ થયેલા હોય તો તે ધો.૧૨ સાયન્સમાં કોઈ પણ ગ્રૂપ પસંદ કરીને અભ્યાસ કરી શકશે. હાલમાં ધો.૧૨ સાયન્સમાં દરવર્ષે સવા લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાતા હોય છે. પરંતુ પરીક્ષાની જોગવાઈમાં કરવામાં આવેલા સુધારાના પગલે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. વિદ્યાર્થી ધો.૧૧માં ગમે તે ગ્રૂપ પસંદ કરે અને અધવચ્ચે તે ગ્રૂપ બદલવા માંગતો હોય તો તેને છુટ મળશે. ss1