હવે સુરત રેલવે સ્ટેશનની મુલાકાત લો તો, વિન્ટેજ લોકો પેડેસ્ટલ અને સેલ્ફી પોઇન્ટ પર સેલ્ફી લેવાનું ભૂલતા નહિં

રેલવે રાજ્ય મંત્રી દ્વારા સુરત સ્ટેશન પર વિવિધ સુવિધાઓનું ઉદ્ઘાટન – ઈન્ટિગ્રેટેડ સિક્યોરીટી સિસ્ટમ કોચ ગાઇડન્સ સિસ્ટમ અને વીઆઇપી કક્ષનું ઉદ્ઘાટન
રેલવે અને કાપડ રાજ્યમંત્રી શ્રીમતી દર્શના જરદોષે ગુરુવાર,14 ઓક્ટોબર, 2021ના રોજ સુરત સ્ટેશન પર આયોજિત કાર્યક્રમમાં વિવિધ સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું. માનનીયા મેયર શ્રીમતી હેમાલી બોઘાવાલા, માનનીય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા અને માનનીય ધારાસભ્ય શ્રી પ્રવિણભાઈ ઘોઘારી, પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી જી. વી.એલ. સત્યકુમાર અને વિવિધ વરિષ્ઠ રેલવે અધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરેલી પ્રેસ વિજ્ઞપ્તિ મુજબ સુરત સ્ટેશન પર અનેક ઉદ્ઘાટન થયા. માનનીયા રેલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શના જરદોષે ઉદ્ઘાટન તકતીનું અનાવરણ કર્યું અને અન્ય મહાનુભાવો સાથે સુરત સ્ટેશન પર હેરિટેજ લોકોમોટિવ અને સેલ્ફી પોઈન્ટનું ઉદ્ઘાટન કર્યું.
માનનીયા રેલ રાજ્યમંત્રીએ સુરત સ્ટેશન પર સીસીટીવી સર્વેલન્સ સિસ્ટમ કંટ્રોલ કક્ષ, કોચ ગાઇડન્સ સિસ્ટમ અને વીઆઇપી કક્ષનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.તેમના સંબોધનમાં માનનીયા રેલવે રાજ્ય મંત્રીએ સુરત માટે તેમની દ્રષ્ટિકોણ રજૂ કર્યો અને રેલવે દ્વારા આ ક્ષેત્રમાં લાવવામાં આવતા નવા અને સકારાત્મક પરિવર્તનોને આવકાર્યા હતાં.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સુરત પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનનું બીજું ક્રમનું સૌથી વધુ પેસેન્જર આવક પ્રાપ્ત કરતું સ્ટેશન છે અને તે મુંબઈ-દિલ્હી કનેક્ટિવિટી લાઈન પર મહત્વપૂર્ણ સ્થિતિ ધરાવે છે, જ્યાં વેપારીઓ દ્વારા ઘણી બિઝનેસ ટૂર થાય છે.
સરક્યુલેટીંગ ક્ષેત્રમાં વિન્ટેજ લોકોમોટિવ પેડેસ્ટલ અને સેલ્ફીપોઇન્ટ
સુરત શહેરમાં રેલવેના હેરિટેજ અતિતને ફરીવાર જોવા માટે અને શહેરની ગતિશીલ પ્રકૃતિને જાળવી રાખવા માટે સરક્યુલેટીંગ ક્ષેત્રમાં એક જૂનું લોકોમોટિવ અને સેલ્ફી પોઇન્ટ મૂકવામાં આવ્યા છે. ચિતરંજન લોકોમોટિવ વર્કશોપ, બર્ધમાન દ્વારા નિર્મિત ડીઝલ લોકોમોટિવ ડીઝલ શેડ બાંદ્રા ખાતે 28 સપ્ટેમ્બર 1992 ના રોજ મુકવામાં આવ્યું હતું. પશ્ચિમ રેલવેમાં 24 વર્ષની ઉત્કૃષ્ટ સેવા બાદ 5 જાન્યુઆરી, 2015 ના રોજ આ લોકો ને નિવૃત્ત કરવામાં આવેલ.
આ સેલ્ફી પોઈન્ટ ધમધમતા શહેર માટે એક વિશેષ આકર્ષણ બની રહેશે અને જાહેર જનતાની સાથે સાથે તેમજ રેલ મુસાફરોને પણ આનંદ અને ગૌરવની ક્ષણો પ્રાપ્ત કરવા માટે સક્ષમ બનાવશે. આ રોમાંચક યુગલ સંયોજને સરક્યુલેટિંગ ક્ષેત્રને આકર્ષક સ્વરુપ આપ્યું છે.
ઈન્ટિગ્રેટેડ સિક્યોરીટી સિસ્ટમ (સીસીટીવી કંટ્રોલ રૂમ અને સર્વેલન્સ કેમેરા)
સુરત સ્ટેશન પર મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને અને મુસાફરોની સલામતી વધારવા માટે સુરત સ્ટેશન પર આધુનિક સુવિધાઓ સાથે એક નવો ઈન્ટિગ્રેટેડ સિક્યોરીટી સિસ્ટમ કક્ષ સ્થાપવો જરૂરી હતો.આ જરૂરિયાતને પહોંચી વળવા અને સ્ટેશનના તમામ વિસ્તારોને ચોવીસ કલાક આવરી લેવા માટે સમગ્ર સ્ટેશન પરિસરમાં હાઇટેક કેમેરા લગાવવાની યોજના બનાવાઈ હતી.
રુ.1.2 કરોડના ખર્ચે આ કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું હતું અને હવે આ પૂર્ણ થયું છે. 86 કેમેરા સમગ્ર સુરત સ્ટેશનને આવરી લેશે, જેમાંથી 68 કેમેરા પહેલેથી જ ઇન્સ્ટોલ થઈ ચૂક્યા છે અને કાર્યરત છે અને બાકીના ટૂંક સમયમાં ઇન્સ્ટોલ થઈ જશે.
3 પ્રકારના ઉચ્ચ ગુણવત્તાવાળા કેમેરા એટલે કે PTZ (પાન-ટિલ્ટ-ઝૂમ); સ્ટેશન પરિસરની ઉચ્ચતમ દેખરેખ માટે 4K કેમેરા (ચહેરાની ઓળખ માટે ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાના ચિત્રો) અને FHD (પૂર્ણ HD કેમેરા) નો ઉપયોગ કરવામાં આવ્યો છે.ફેસ રિકગ્નિશન સિસ્ટમ રીઅલ ટાઇમ અને ઓફલાઇન મોડમાં કામ કરશે. સિસ્ટમમાં એક જ વ્યક્તિના એક જ ચહેરાના અનેક નમૂના લેવાની વ્યવસ્થા હશે.
અદ્યતન પેસેન્જર કોચ ગાઇડન્સ સિસ્ટમની વ્યવસ્થા
કોચ ગાઈડન્સ સિસ્ટમના ઉદઘાટન સાથે, પ્લેટફોર્મ નંબર 1, 2 અને 3 પર તમામ કોચ ઈન્ડિકેટર અને એનાઉન્સમેન્ટ સિસ્ટમને અપડેટ કરવામાં આવી છે અને નવીનતમ ઇન્ટરનેટ આધારિત કોચ પોઝિશન ફીડિંગ, ડિસ્પ્લે અને ઓટોમેટિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ શરુ કરવામાં આવેલ છે. રૂ .36 લાખના ખર્ચે આ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે.
પુનર્વિકસિત અને અપગ્રેડ વીઆઈપી કક્ષ
સુરત સ્ટેશનના જૂના વીઆઇપી રૂમને પુનર્વિકસિત અને અપગ્રેડ કરવામાં આવેલ છે. કોઈપણ સમયે 25 થી વધુ લોકો સાથે બેઠક કરવાની ક્ષમતા સાથે વીઆઈપી કક્ષનું ક્ષેત્રફણ પણ વધારવામાં આવેલ છે.
શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે માનનીયા રેલવે રાજ્ય મંત્રીએ દૃષ્ટિહીન ઉદ્ઘોષક શ્રી વીરેન્દ્ર ચાહવાલા સાથે પણ વાતચીત કરી હતી. તેમણે મીડિયાકર્મિઓ અને જાહેર જનતા સાથે પણ ચર્ચા કરી હતી.મુસાફરોના લાભ માટે પુરી પાડવામાં આવેલ વિવિધ સુવિધાઓના ઉદ્ઘાટનના પરિણામે સુરત સ્ટેશન એક નવા સૌંદર્યલક્ષી અને હાઇટેક લુક સાથે શક્ય તમામ શ્રેષ્ઠ સેવાઓ માટે સુસજ્જ થઈ ગયું છે.