હવે સ્મશાનોમાં પણ સંભવિત ત્રીજી લહેરને લઈને તૈયારીઓ શરૂ કરાઇ
અમદાવાદ: કોરોનાની બીજી લહેરનાં દ્રશ્યો લોકો ભૂલ્યા નથી,સારવાર માટે હોસ્પિટલ બહાર ઠેર-ઠેર એમ્બ્યુલન્સોની લાઈનો, બેડની અછત, બેડ મળે તો ઓક્સિજનની અછત, દવા-ઈન્જેક્શનની અછત, ઓક્સિજન વગર તડપીને મોત, મોત બાદ પણ અંતિમક્રિયા માટે સ્મશાનોમાં લાંબુ વેઈટિંગના દ્રશ્યો કંપારી છૂટી જાય તેવા છે. સ્મશાનોમાં ૨૪ કલાક ભઠ્ઠીઓ ધમધમતી હતી.તેવામાં હવે ત્રીજી લહેરની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સરકાર, હોસ્પિટલ તંત્ર ત્રીજી લહેર માટે તૈયારીઓ કરી રહ્યા છે. પણ સાથે સાથે હવે સ્મશાનો પણ સંભવિત ત્રીજી લહેરને લઈને તૈયારીઓ કરી રહ્યા છે.
કોરોનાની ત્રીજી સંભવિત લહેરને લઈને તંત્રની સાથે સ્મશાન ગૃહો પણ તૈયાર છે.
બીજી લહેરમાં કોરોનાએ મચાવેલાં આતંકને પગલે મૃતદેહોના ઢગલા થયા હતા. રાજકોટમાં પણ કોરોનાએ કાળો કેર વર્તવ્યો હતો અને મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં ૨૪ કલાકનું વેઇટિંગ કોઈ ભુલ્યું નથી. ત્યારે આ પરિસ્થિતિ ન સર્જાઈ એવું જ બધા ઇચ્છી રહ્યા છે.પરંતુ જાે કદાચ ત્રીજી લહેર આવે તો શું અને તેમાં જાે લોકોનાં મૃત્યુ થાય તો મૃતદેહોને ૨૪-૨૪ કલાક સુધી અંતિમ સંસ્કાર માટે રાહ ન જાેવી પડે એ માટે રાજકોટના બાપુનગર સ્મશાન ગૃહમાં તૈયારીઓ કરવામાં આવી છે. અંતિમ સંસ્કાર માત્ર ઇલેક્ટ્રિક ભઠ્ઠી અને લાકડા વિભાગ માટે લાકડાનો સ્ટોક કરવામાં આવ્યો છે. તો મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે ૯ ખાટલાં પણ તૈયાર રાખવાં આવ્યા છે.
સુરતમાં પણ સ્મશાન ભૂમિના સંચાલકો પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મેન્ટેન્સની સાથે સ્મશાન ચાલુ છે. કુરુક્ષેત્ર સ્મશાનમાં ૬ ભઠ્ઠી હતી. વધારાની ત્રણ નવી બનાવમાં આવી છે. ૮૦૦ ડિગ્રી પહોંચી વળે તેવા પતરાનો ચીમની માટે ઉપયોગ કરાયો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ સતત ભઠ્ઠીઓ ધમધમતાં પીગળી જવાના કિસ્સાઓ પણ નોંધાયા હતા.
કોરોના મહામારીની બીજી વેવમાં લાખો લોકો સંક્રમિત થયા અને હજારો લોકો કોરોનાથી મોતને ભેટ્યા. સમગ્ર દેશ સહિત વડોદરાના સ્મશાનોમાં પણ ચિતાઓ માટે ૩ થી ૮ કલાકનું વેઈટિંગ જાેવા મળ્યું હતું. પરંતુ હવે જ્યારે ઓગસ્ટ મહિનાના અંતમાં થર્ડ વેવનો પ્રારંભ થશે
તેવી આગાહીઓને પગલે વડોદરાના સ્મશાનોમાં ચિતાઓ વધારવામાં આવી તો રહી છે અને સાથે લાકડાઓનો જથ્થો પણ ૧૦ ગણો વધારે કરી દેવાયો છે. કારેલીબાગ સ્થિત ખાસવાડી સ્મશાનની વાત કરીએ તો અગાઉ અહીં ૧૪ ચિતાઓ જ હતી તે વધારીને ૩૦ કરી દેવાઈ છે અને અત્યારથી જ લાકડાનો સ્ટોક વધારી દેવાયો છે.
ત્રીજી વેવ પહેલા અમદાવાદના થલતેજ સ્મશાન ગૃહમાં ૨ અલગ- અલગ વિસામો બનાવવામાં આવ્યા છે. બીજી લહેરમાં મૃતદેહની સંખ્યા વધતા મૃતદેહ રાખવા જગ્યા (વિસામો) ઓછી પડતી હતી. સીએનજી ભઢ્ઢીમાં ચિનાઈ માટીના પથ્થર તૂટી જતાં નવા નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ગરમી ના લાગે તે માટે નવા શેડ બનાવવામાં આવ્યા છે.