Western Times News

Gujarati News

હવે SVP-સોલા સિવિલથી એમ્ફોટેરેસીન ઈન્જેક્શન મળશે

મ્યુકોરમાઇકોસિસ માટે એમ્ફોટેરેસીન બી ઈન્જેકશન સરળ રીતે દર્દીના સગાને મળી રહે તે અંગે સરકારની તજવીજ

અમદાવાદ, મ્યુકોરમાઈકોસિસ બીમારી એ સરકાર માટે ચિંતાનો વિષય બની ગઈ છે. કોરોનાથી રિકવર થતા દર્દીઓને લાગુ થઈ રહેલી આ બીમારી જીવલેણ સાબિત થઈ રહી છે. રેમડેસિવિરની કાળાબજારી અટકાવ્યા બાદ હવે મ્યુકોરમાઈકોસિસ ઈન્જેક્શનની કાળાબજારી અટકાવી સરકારની જવાબદારી છે.

સાથે જ મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શનના ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યારે મ્યુકોરમાઇકોસિસના ઈલાજમાં વપરાતા એમ્ફોટેરેસીન બી ઈન્જેકશન સરળતાથી દર્દીઓના સગાને મળી રહે તે અંગે રાજ્ય સરકારે તજવીજ હાથ ધરી છે. અમદાવાદમાં બે સ્થળોથી દર્દીઓના સગાઓને ઇન્જેક્શન મળશે.

સોલા સિવિલ હોસ્પિટલ તેમજ એસવીપી હોસ્પિટલથી એમ્ફોટેરેસીન બી ઈન્જેકશન મળશે. અમદાવાદમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શનના વિતરણ માટે કમિટી બનાવવાની તજવીજ હાથ ધરાઈ છે. હાલ સોલા હોસ્પિટલ ખાતે એમ્ફોટેરેસીન બી ઈન્જેકશનનો જથ્થો પહોંચ્યો નથી.

એમ્ફોટેરેસીન બી ઈન્જેકશન દર્દીઓના સ્વજનોએ લેવા માટે કેટલાક ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે. જેમ કે, દાખલ દર્દીના કેસની વિગત, દર્દીના આધાર કાર્ડની નકલ, મ્યુકરમાઇકોસિસના નિદાનની નકલ, સારવાર આપતા તબીબનો ભલામણ પત્ર રજૂ કરવાના રહેશે.

ડોક્યુમેન્ટ ખરાઈ કર્યા બાદ જ એમ્ફોટેરેસીન બી ઈન્જેકશન નિશ્ચિત કરાયેલી હોસ્પિટલથી દર્દીના સગાને મળી શકશે. સરકારે ૩.૧૫ કરોડના ખર્ચે પાંચ હજાર ઈન્જેક્શનનો ઓર્ડર આપ્યો છે. જીએમએસસીએલ દ્વારા અમદાવાદમાં આવેલી સોલા સિવિલ, એસવીપી હોસ્પિટલ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ, જામનગર, સુરત, વડોદરા ખાતે આવેલી હોસ્પિટલથી એમ્ફોટેરેસીન બી ઈન્જેકશનનું વિતરણ કરાશે.

મ્યુકોરમાઇકોસિસના અગાઉ વર્ષ બેચાર કેસ નોંધાતા હતા, પરંતુ કોવિડના સમયમાં જે દર્દીઓ ડાયાબિટિક હતા અને સ્ટીરોઇડ દવાઓ અપાઇ હતી, તેઓની ઇમ્યુનિટિ ઓછી થતા આ રોગ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.