હાઇકોર્ટમાં ૩૧ માર્ચ સુધી કેસોની સુનાવણી નહી થાય
અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ કોરોના ઇફેકટને લઇ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ, ગુજરાત હાઇકોર્ટમાં આવતીકાલે તા.૧૯મી માર્ચથી તા.૩૧મી માર્ચ સુધી કેસોની સુનાવણી હાથ ધરાશે નહી એટલે કે, હાઇકોર્ટમાં કેસોનું કોઝલીસ્ટ પણ નહી બને કે, મેટરો પણ નોટીફાય નહી થાય. જા કોઇ કેસ માટે અરજન્સી હશે તો વકીલોએ નોટ કે અરજી ફાઇલ કરવી પડશે. જે તે કોર્ટ દ્વારા તેને વિચારણમાં લઇને જા જણાશે કે, અરજન્સી છે તો જ તે મેટર લીસ્ટ થશે.
અમદાવાદની ભદ્ર વિસ્તારમાં આવેલી સીટી સીવીલ અને સેસન કોર્ટમાં પણ આવનારા લોકોની સંખ્યા ઘટી જતાં કોર્ટ સંકુલ ખાલી નજરે પડી રહ્યુ હતું.
હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ દ્વારા સરકયુલર જારી કરી આ અંગેની તાકીદ કરવામાં આવી છે. જે મેટરો ઓલરેડી તા.૧૯ માર્ચથી તા.૩૧ માર્ચ દરમ્યાન ફિક્સ થયેલી છે, તે હવે આપોઆપ તા.૩૧મી પછી આગળના દિવસોમાં લીસ્ટ થશે. એટલું જ નહી, જે મેટરોમાં સ્ટે કે વચગાળાની રાહત જારી થયેલી છે, તે પણ આપોઆપ એક્ષ્ટેન્ડ થઇ જશે. જે મેટરો ઓફિસ ઓબ્જેકશનમાં હશે તે પણ આપોઆપ તા.૩૧મી માર્ચ સુધી મુલત્વી રાખવામાં આવશે.
દરમ્યાન ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન સી.કે.પટેલ અને પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા પણ કોરોના વાયરસની અસરો પ્રજામાં ના ફેલાય તેની સાવચેતી અને અગમચેતીના ભાગરૂપે રાજયભરની તાલુકાથી માંડી તમામ જિલ્લા અદાલતોમાં અરજન્ટ કામો જ હાથ પર લેવા અને તે સિવાયના રેગ્યુલર કેસોમાં કોઇ કાર્યવાહી કરવામાં ના આવે તે માટે ગુજરાતની તમામ અદાલતોને આદેશ આપવા હાઇકોર્ટના ચીફ જસ્ટસ અને રજિસ્ટ્રાર જનરલને મહત્વની ભલામણ કરાઇ હતી, જેના અનુસંધાનમાં હાઇકોર્ટ દ્વારા રાજયની તમામ અદાલતોને તા.૩૧મી માર્ચ સુધી અરજન્ટ સિવાયના રેગ્યુલર કેસોની સુનાવણી નહી કરવા નિર્દેશ જારી કરી દેવાયા છે.