હાઇટેક નર્સરી તૈયાર કરીને શાકભાજીના રોપા તૈયાર કરી આવકમાં વધારો કરતાં લક્ષ્મણભાઇ ડામોર
આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહેલ : ખેડૂત લક્ષ્મણભાઇ અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે
આજે તેમના રોપા મહીસાગર જિલ્લામાં જ નહીં પણ આજુબાજુના જિલ્લા સહિત રાજસ્થાનના ખેડૂતો પણ લઇ જાય છે
લુણાવાડા :: ખેતીવાડીમાં નવીન ખેતી પધ્ધતિઓ અને ટેકનોલોજીનો ઉપયોગ કરી પોતાની આગવી કોઠાસૂઝથી આજે કેટલાંય ખેડૂતો આત્મનિર્ભરતા તરફ આગળ વધી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની રહયા છે.
આવી જ કંઇક વાત છે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઊંડાણ અને અંતરિયાળ વિસ્તારમાં આવેલા પાદેડી અડોર ગામના પ્રગતિશીલ ખેડૂત લક્ષ્મણભાઇ ડામોરની. ખેડૂત શ્રી લક્ષ્મણભાઇ ફાઉન્ડેશન ફોર ઇકોલોજિકલ સિકયુરીટી (એફ.ઇ.એસ) સંસ્થા અને ટાટા ટ્રસ્ટની સીની સંસ્થાના સહયોગ તેમજ માહિતી અને માર્ગદર્શનમાં પોતાની ખેતીની જમીનમાં હાઇટેક નર્સરી તૈયાર કરીને શાકભાજીના રોપના વેચાણ દ્વારા પોતાની આવકમાં વધારો કરી રહયા છે.
શ્રી લક્ષ્મણભાઇએ આ અંગેની વિગતો આપતાં એક મુલાકાતમાં કહ્યું કે, તેમની નર્સરીમાં તેઓઓ રીંગણ, મરચા, ટામેટા, ફુલાવર કોબીજ જેવા શાકભાજીના રોપા તૈયાર કર્યા છે. આ રોપ તૈયાર કરવા માટે સારી જાતના બિયારણ, હાઇટેક નર્સરી માટેનું જરૂરી વાતાવરણ અને પધ્ધતિસરની માવજત જરૂરી હોવાનું કહ્યું હતું.
લક્ષ્મણભાઇએ આ હાઇટેક નર્સરી બનાવવા માટેની તમામ આવડત આણંદ એગ્રીકલ્ચર યુનિર્વસિટી, ખેતીવાડી શાખા અને એફ.ઇ.એસ. સંસ્થા દ્વારા યોજાતી તાલીમો અને પ્રેરણા પ્રવાસો દ્વારા હાંસલ કરી હોવાનું જણાવ્યું હતું.
ગુજરાત સરકારના ઉપક્રમે ચાલતા સેન્ટર ફોર એકસેલન્સ ઓફ વેજીટેબલ ખાતે રાખવામાં આવેલ પ્રેરણા પ્રવાસ અને તાલીમ દરમિયાન તેઓને તંદુરસ્ત અને રોગમુકત શાકભાજીના રોપા કઇ રીતે તૈયાર કરવા તેનું તેઓએ માર્ગદર્શન મેળવ્યું હતું.
શ્રી લક્ષ્મણભાઇ શાકભાજીના રોપાની સાથોસાથ હાઇટેક પણ છે તેઓ ગુગલના માધ્યમથી કયા બિયારણો સારા છે, બિયારણના બજાર ભાવ, નર્સરીને લગતી કોઇ નવીન પધ્ધતિ, નર્સરી માટે જરૂરી સામાનનો ભાવ અને પાક સંરક્ષણની જૈવિક પધ્ધતિઓ અંગેની જાણકારી મેળવી તેનાથી માહિતગાર પણ થતા રહે છે. જયારે તેઓ પોતાની નર્સરીની મુલાકાતે આવનાર ખેડૂતોને પણ આ અંગેની વિગતવાર માહિતી આપે છે.
શ્રી લક્ષ્મણભાઇ આજે માત્ર મહીસાગર જિલ્લાના ગામોમાં જ નહી પણ દાહોદ, પંચમહાલ, અરવલ્લી, ભૂજ અને રાજસ્થાનના ગામોમાં રોપા પુરા પાડે છે. તેઓએ ઉગાડેલા રોપા કેવુ પરીણામ આપે છે તે રોપા લેવા આવનારને જીવંત નિદર્શન આપી શકે અને સમજાવી શકે તે માટે અલગથી શાકભાજી પ્લોટ બનાવેલ છે જેમાં તેઓ તમામ વેરાયટીના છોડનો વિકાસ, ઉત્પાદનની માહિતી આપે છે. આમાં તેમની માર્કેટીંગ કરવાની કોઠાસૂઝ જોવા મળે છે. આ ઉપરાંત તેઓ રોજીંદી શાકભાજીનું વેચાણ કરીને આવક પણ મેળવી રહ્યા છે.
એફ.ઇ.એસ.સંસ્થાની કામગીરી અંગેની માહિતી આપતા સીનિયર પ્રોગ્રામ મેનેજર વિક્રમસિંહે જણાવ્યું કે સંસ્થા ભારતના ૧૦ રાજયોના ૭૮ જિલ્લામાં કાર્યરત છે. સંસ્થાનો મુખ્ય હેતુ જે તે વિસ્તારના પાણી, જમીન, જંગલ અને સામૂહિક જમીનનું સંરક્ષણ અને સંવર્ધન કરીને ટકાઉ આજીવિકા નિર્માણ કરવાનો છે આ તમામ પ્રયાસો ગ્રામ સંસ્થાઓના મજબૂતીકરણ દ્વારા થાય છે.
મહીસાગર જિલ્લામાં પણ સંતરામપુર અને કડાણા તાલુકાનાં ૮૬ ગામોમાં પોતાની આસપાસના કુદરતી સંશાધનોનું રક્ષણ કરીને ખેડૂતોની આજીવિકા વૃધ્ધિ માટે કાર્યરત છે. તેમાં ગ્રામ સંગઠનો બનાવી સામૂહિક નિર્ણયો દ્વારા બિનજરૂરી રસાયણોનો ઉપયોગ ટાળી ખેતી ખર્ચમાં ઘટાડો કરી આજીવિકાને સુધારેલી ટકાઉ બનાવવા આયોજન કરવા પ્રયાસરત હોવાનું જણાવ્યું હતું.
તાજેતરમાં જિલ્લા કલેકટર શ્રી આર.બી.બારડે પણ આ નર્સરીની મુલાકાત લઇ નર્સરીનું નિરીક્ષણ કરીને લક્ષ્મણભાઇને પ્રોત્સાહિત કરી એફ.ઇ.એસ. સંસ્થાની કામગીરીને બિરદાવી હતી.