હાઈકોર્ટ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આવતા તંત્ર હરકતમાં
અમદાવાદ: દિવસે ને દિવસે ગુજરાતમાં કોરોનાનાં સંક્રમિત કેસ સતત વધતા જ જાય છે. સતત છેલ્લાં પાંચેક દિવસથી કોરોનાનાં આંકડા ૭૦૦ને પાર જતાં જાય છે. ત્યારે કોરોના સંક્રમણ છેક ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચી ગયું છે. તાજેતરમાં જ ૨-૩ દિવસ પહેલાં ગુજરાત હાઈકોર્ટમાં એક કોન્સ્ટેબલ સહિત ૭ કર્મચારીઓ કોરોનાના શિકાર બન્યાં હતાં. ત્યારે ગુજરાત હાઈકોર્ટને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ છે.
ગુજરાત હાઈકોર્ટમાં લોકોની અવર જવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે બે-ત્રણ દિવસ પહેલા એક સાથે ૬ કર્મચારીઓ અને ૧ કોન્સ્ટેબલનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો, જેનાં કારણે ૩ દિવસ માટે હાઈકોર્ટને બંધ કરવામાં આવી છે.
હાઈકોર્ટનાં દરવાજાની બહાર જ છસ્ઝ્ર એ ‘નિયંત્રિત ઝોન પ્રવેશ નિષેધ વિસ્તાર’ નાં પોસ્ટર લગાવી દીધા છે. માત્ર એટલું જ નહીં પરંતુ લોકોની અવર જવર ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સજાને પાત્ર થશે. જેથી સામાજિક અંતર જાળવીએ અને સુરક્ષિત રહીએ.
આ વિસ્તારને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ૮, ૯ અને ૧૦ જુલાઈ સુધી સંકુલને સંપૂર્ણ રીતે બંધ રાખી સફાઈ અને સેનિટાઈઝરની કામગીરી હાથ ધરવામાં આવશે. હાઈકોર્ટનાં જ્યુડિશીયલ વિભાગનાં એક કર્મચારીને કોરોના પોઝીટિવ આવતા સંપૂર્ણ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન તપાસ કરતા હાઈકોર્ટનાં વહીવટી વિભાગનાં ૬ અને વિજિલન્સ વિભાગનાં એક કોન્સ્ટેબલનો કોરોનાનો રીપોર્ટ પોઝીટિવ આવ્યો હતો.