હાઈપરટેન્શનનો શિકાર બનેલાં ૭૦ ટકા ભારતીયો પોતાની બીમારીથી અજાણ
ભાગદોડના યુગમાં બદલાયેલી લાઈફસ્ટાઈલથી વિશ્વમાં ૩૦ વર્ષમાં બ્લડપ્રેશરના દર્દીની સંખ્યા બમણી થઈ છે તેમ એક નવા અભ્યાસમાં જણાવાયું છે. ખરાબ લાઈફસ્ટાઈલથી ઘણી બીમારીઓ જન્મ લે છે. પરંતુ સૌથી વિપરીત અસર હૃદય પર થાય છે.
હાઈબ્લડપ્રેશર કે હાઈપરટેન્શનના કારણે હૃદય, બ્રેઈન, કિડની સંબધીત રોગો અને અન્ય ગંભીર બીમારીઓ વળગે છે. પણ દુર્ભાગ્યની બાબત એ છે કે વિશ્વમાં હાઈપરટેન્શનથી પીડીત ૪૦ ટકાથી વધારે લોકો તેમની બીમારીથી અજાણ હોય છે. અને ભારતમાં તો આ પ્રમાણ ૬૦-૭૦ ટકા જેવું ઉચું છે.
નિદાનના અભાવનો અર્થ સારવારનો નીચો દર થાય છે જેને પરીણામે લોકો હૃદયરોગ અને સ્ટ્રોક જેવી જીવલેણ અને ગંભીર સ્થિતીનો ભોગ બની શકે છે. લંડનની ઈમ્પરીયલ કોલેજની સ્કુલ ઓફ પબ્લીક હેલ્થના અભ્યાસ અનુસાર હાઈ પરટેન્શનના નિદાનના મોરચે ર૦૦ દેશોમાં ભારતનો ક્રમ મહિલાઓ માટે ૧૯૩મ અને પુરુષો માટે ૧૭૦મો છે.
ભારતનો હાઈપરટેન્શન ટ્રીટમેન્ટનો દર મહીલાઓમાં ૩પ ટકા અને પુરુષોમાં રપ ટકા પણ વૈશ્વીક સરેરાશ મહીલાઓમાં ૪૭ ટકા અને પુરુષોમાં ૩૮ ટકાનો સરખામણીએ આશરે એક તૃતીયાંશ નીચો છે. સારવારના દરના મોરચે પણ ભારતનો દેખાવ અત્યંત નબળો છે.
મહિલાઓ માટે ભારતનો ક્રમ ૧૬૦મો અને પુરુષો માટેનો ક્રમ ૧૪૩ મો છે. અર્થાત ભારતનો સારવારનો દર વિશ્વના તમામ દેશોના લગભગ ૮૦ ટકા કરતાં પણ નીચો છે. અત્રે નોંધનીય છે કે એક ખતરનાક પરીસ્થિતી છે કેમ કે શરૂઆતમાં લોકો ઈલાજ કરાવતાં નથી પણ આગળ જતા ઘણી ગંભીર બીમારીઓ વળગે છે.