હાઈપ્રોફાઈલ લેડી સાથે સબંધ બાંધી રૂપિયા કમાવવાની લાલચ આપતાં બંટી બબલી પકડાયા
આઠથી વધુ ફેસબુક આઈડી બનાવી યુવાનોનો સંપર્ક કરતાં હતા : અમદાવાદ સાયબર ક્રાઈમનું વડોદરામાં સફળ ઓપરેશન
(પ્રતિનિધિ) અમદાવાદ કેટલાક મહીનાઓ અગાઉ ગુજરાતભરના યુવાનોને હાઈપ્રોફાઈલ લેડીઝ સાથે સેક્સ કરીને રૂપિયા કમાવાની લાલચ આપી લોકો પાસેથી રૂપિયા પડાવતી એક ગેંગ પકડાઈ હતી ત્યારબાદ વધુ એક વખત આવી જ એક ગેંગ સક્રીય હોવાની ફરીયાદ મળતાં અમદાવાદ શહેર સાયબર ક્રાઈમે બરોડાથી બંટી-બબલીની ધરપકડ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે રાણીપ વિસ્તારમાં રહેતા રાહુલ (કાલ્પનિક નામ)ને થોડા સમય અગાઉ ફેસબુક ઉપર પટેલ સન તથા પ્રિયંકા પટેલ નામની આઈડી ધરાવતા વ્યક્તિઓ સાથે મિત્રતા થઈ હતી. બાદમાં ચેટીંગ દરમિયાન આ બંનેએ પોતે એસ્કોર્ટ કંપની ચલાવતા હોવાનું કહયું હતું તથા રાહુલને પણ લાલચ આપતા તમારે છોકરીઓ સાથે ડેટીંગ, મિટિંગ તથા સેકસ કરવાનું રહેશે
જેના સારા રૂપિયા મળશે તેવી વાત કરી હતી. બાદમાં રાહુલ પાસે પ્રોસેસીંગ ફી ના રૂપિયા પ૦૦ ભરાવડાવીને હિના પટેલ તથા શ્વેતા શાહ નામની મહીલાઓ સાથે મિટીંગ તથા સેકસ કરવા માટે હોટેલ રૂમનું ભાડું પણ ભરાવડાવ્યું હતું તથા બીજા ૭.૧૦ લાખ રૂપિયા પણ ઉસેડી લીધા હતા. રૂપિયા લીધા તેમણે કોઈ મીટીંગ ન કરાવતા કે રૂપિયા પણ પરત ન કરતા રાહુલે સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાવી હતી.
જેને કારણે પી.આઈ એમ.એચ. પુવારની ટીમ સક્રીય થતાં ફોન નંબર ટ્રેસ કર્યા હતા જેમાં બરોડાનું લોકેશન મળતાં જ લોકેશનને આધારે સાયબર ક્રાઈમની ટીમ હરેક્રીષ્ના, વીનીશ વીલા, હરનીવારસીયા રોડ, વડોદરા ખાતે પહોંચી હતી અને ત્યા રહેતા આકાશ ભગવાનદાસ લાલવાણી (ર૧)ને ઝડપી લીધો હતો. તપાસમાં તેની મહીલા સાગરીત જૈમીકા ઉત્પલ પટેલ (૩ર)નું નામ ખુલતાં જૈમીકાને પણ તેના ઘર નગેશ્વર સોસાયટી, શુકન હોસ્પીટલ, બરોડાથી ઝડપી લેવાઈ હતી બાદમાં તેમની પાસેથી ગુનામાં વપરાયેલા સીમકાર્ડ, ડીવાઈસ ઉપરાંત ત્રણ મોબાઈલ ફોન અને પાસબુક, ચેકબુક વગેરે મળી આવ્યું હતું.
આ બંને ગઠીયાઓએ સેજલ પટેલ, સ્નેહા પ્રજાપતિ, વડોદરા કીંગ, સેજલ રામચંદાની, આકાશ લાલવાણી, હીના પટેલ, ગૌરી શાહ, જૈન વંદના નામના બીજા પણ ફેસબુક એકાઉન્ટ બનાવ્યા હતા જેથી કોઈ સાથે છેતરપીંડી થઈ હોય તો તેમણે પણ ફરીયાદ દાખલ કરાવવા પોલીસે અપીલ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આકાશ તથા જૈમિકા બંનેએ ફેબ્રુઆરી મહીનાથી આ ગોરખધંધા શરૂ કર્યા હતા બંનેએ મોટી સંખ્યામાં યુવાનોને ઠગ્યા હોવાની પોલીસને શંકા છે. બંને ભેગા મળી યુવાનો પાસેથી વિવિધ ચાર્જીસ પેટે ૩૦૦ થી પ૦૦ જેવી નાની નાની રકમો પડાવતાં હતાં.