હાઈવે પર મહત્તમ ઝડપ 80 કિમી પ્રતિ કલાક હોવી જોઈએઃ કેન્દ્ર સરકારને મદ્રાસ હાઈકોર્ટની તાકીદ

નવી દિલ્હી, હાઈવે પર ઓવર સ્પિડિંગના કારણે સર્જાઈ રહેલા અકસ્માતો પર ચિંતા વ્યક્ત કરીને મદ્રાસ હાઈકોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે.
હાઈકોર્ટે સ્પીડ લિમિટને લઈને કેન્દ્ર સરકારે હાઈવે પર 120 કિમીની મહત્તમ ઝડપના આદેશને રદ કરીને કહ્યુ છે કે, હાઈવે પર ટોપ સ્પીડ પ્રતિ કલાક 80 કિમીની રહોવી જોઈએ.
કોર્ટે કહ્યુ હતુ કે, હાઈવે પર સર્જાતા મોટાભાગના માર્ગ અકસ્માતો પાછળનુ કારણ ઓવર સ્પિડિંગ હોય છે અને સાથે સાથે કોર્ટે કેન્દ્ર સરકારની દલીલ પણ સ્વીકારી નહોતી. આ દલીલમાં કહેવાયુ હતુ કે, એક્સપર્ટ કમિટીની ભલામણ બાદ હાઈવેની સારી સ્થિતિ અને હવે બહેતર ટેકનિકથી બની રહેલી કારોના આધારે 120 કિલોમીટરની સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે.
કોર્ટે સામે પૂછ્યુ હતુ કે, જ્યારે આપણે જોઈ રહ્યા છે કે, મોટાભાગના અકસ્માતોમાં ઓવર સ્પિડિંગ કારણ બની રહી છે ત્યારે એવુ કેવી રીતે કહી શકાય કે સારા રસ્તા અને સારી ટેકનોલોજીના કારણે દુર્ઘટનાઓ ઘટશે?
કોર્ટે તો ત્યાં સુધી કહ્યુ હતુ કે, બહેતર એન્જિન ટેકનોલોજી અનિયંત્રિત સ્પીડ માટે કારણ બનશે અને ઉલટાનુ તેના કારણે અકસ્માતો વધશે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા હાઈવે પર મહત્તમ ઝડપ 100 કિમી પ્રતિ કલાકની જગ્યાએ વધારીને 120 કિમી પ્રતિ કલાક કરવા માટેનુ જાહેરનામુ સરકારે ચાર ઓગસ્ટે બહાર પાડ્યુ હતુ.