Western Times News

Gujarati News

હાટકેશ્વર બ્રીજ તોડવા ટેન્ડર જાહેર થયા

દેર આયે દુરસ્ત આયે…

(પ્રતિનિધિ) અમદાવાદ,
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના હાટકેશ્વર વિસ્તારમાં ર૦૧૭ના વર્ષમાં ફલાય ઓવર બનાવવામાં આવ્યો હતો. આ ફલાયઓવર તેના બાંધકામની નબળી ગુણવત્તાને કારણે જર્જરીત થઈ જતાં છેલ્લા ત્રણ વર્ષથી બંધ કરવામાં આવ્યો હતો. સદર ફલાયઓવર તોડી તેના સ્થાને નવો ફલાય ઓવર બનાવવા માટે કોર્પોરેશન દ્વારા બે થી ત્રણ વખત ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ તેમાં સફળતા મળી ન હતી. મ્યુનિ. સત્તાધારી પાર્ટી પણ આ બાબતે અત્યાર સુધી થોડા ઘણા અંશે નિષ્ક્રિય રહી હતી પરંતુ હવે હારી થાકીને ફલાય ઓવર તોડવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે અને તેના માટે ટેન્ડર પણ જાહેર થઈ ગયા છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રૂ.૪ર કરોડના ખર્ચથી બનાવવામાં આવેલ હાટકેશ્વર ફલાયઓવરની ટોપની સપાટી જર્જરીત થઈ જતા તેને છેલ્લા ત્રણ વર્ષથી જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યો છે. આ ફલાય ઓવર તોડી નવેસરથી બનાવવા માટે કોર્પોરેશન દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતાં જેમાં છેલ્લે રાજસ્થાનની એક કંપનીએ રસ દાખવ્યો હતો અને રૂ.૧૧ર કરોડના ખર્ચથી બ્રીજ તોડી તેને નવેસરથી બનાવવા તૈયારી દર્શાવી હતી. પરંતુ અગમ્ય કારણોસર મ્યુનિ. શાસકોએ આ ફાઈલમાં રસ દાખવ્યો ન હતો તથા વહીવટી તંત્ર દ્વારા કમિટી સમક્ષ ફાઈલ રજુ કરવા દેવામાં આવી ન હતી. સુત્રોનું માનીએ તો મ્યુનિ. સેક્રેટરી એ જ આ ફાઈલ સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી હતી. અહીં એક એવી પણ ચર્ચા થઈ રહી છે કે હાટકેશ્વર ફલાય ઓવરના બિલ્ડર અજય ઈન્ફ્રા.ને બચાવવા માટે ઉચ્ચસ્તરેથી દબાણ આવ્યું હોવાથી મ્યુનિ. શાસકો પણ એક રીતે લાચાર અનુભવી રહયા હતાં.

ત્રણ વર્ષથી બંધ હાટકેશ્વર ફલાયઓવરને તોડી પાડવા માટે સ્થાનિક આગેવાનો અને ખુદ ભાજપના જ ધારાસભ્ય અને કોર્પોરેટરો તરફથી અનેક વખત રજુઆત કરવામાં આવી હતી પરંતુ જો બ્રીજ તોડી પાડવામાં આવે તો તેના અવળા પરિણામ પાર્ટીએ ભોગવવા પડે તેવી દહેશત પણ હતી. તેથી બ્રીજ તોડવા માટે પણ સત્તાધારી પાર્ટીએ સ્પષ્ટ વલણ અપનાવ્યું ન હતું. પરંતુ હવે મ્યુનિ. કોર્પો.ની ચુંટણી નજીક આવી રહી હોવાથી ના છુટકે બ્રીજ તોડવા માટે મન બનાવ્યું છે.

મ્યુનિ. બ્રીજ પ્રોજેકટ વિભાગ દ્વારા હાટકેશ્વર બ્રીજ તોડવા માટે ટેન્ડર જાહેર કરવામાં આવે છે જેમાં બ્રીજ તોડવાનો અંદાજિત ખર્ચ રૂ.૯.૩૧ કરોડ દર્શાવવામાં આવ્યો છે. જોકે આ બ્રીજની પાઈલકેમ સીસ્ટમથી થયું હોવાથી બ્રીજ તોડવામાં ઘણો સમય લાગી શકે તેમ છે. આ ઉપરાંત બ્રીજની બંને કોમર્શિયલ અને રહેણાંક મિલ્કતો પણ છે તેથી બ્રીજ તોડવા માટે ખૂબ જ ધ્યાન રાખવું પણ જરૂરી બને છે. નોંધનીય બાબત એ છે કે હાટકેશ્વર બ્રીજ જેણે બનાવ્યો હતો તે અજય ઈન્ફ્રા.એ પલ્લવ બ્રીજ પણ બનાવ્યો છે જેનું ૧૦૦ ટકા બાંધકામ પૂર્ણ થઈ ગયું છે અને પેમેન્ટ પણ લગભગ ચુકવવામાં આવ્યું છે.

બીજી તરફ હાટકેશ્વરબ્રીજ તોડવા તથા નવેસરથી બનાવવાનો ખર્ચ અજય ઈન્ફ્રા. પાસેથી વસુલ કરવાની જાહેરાત મ્યુનિ. વહીવટી તંત્ર અને સત્તાધારી પાર્ટી તરફથી અનેક વખત કરવામાં આવી છે. એક તરફ પલ્લવ બ્રીજનું ૧૦૦ ટકા પેમેન્ટ કરવામાં આવ્યું છે. જયારે બીજી તરફ તોડવા માટે જો કોઈ પાર્ટી તૈયાર થશે તો તેના ખર્ચ માટે કોર્પોરેશને કાયદેસરની લડત લડવી પડશે તેવી ચર્ચા પણ ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.