હાથરસની દલિત દીકરીને ન્યાય અપાવવા આમોદમાં સ્વયં સૈનિક દળે ધરણા કરતા પોલીસે અટકાયત કરી
લોકશાહી દેશમાં લોકોના બંધારણીય હકોને દબાવવામાં આવી રહ્યાં છે: સ્વયં સૈનિક દળ.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઉત્તરપ્રદેશમાં હાથરસમાં દલિત દીકરી ઉપર સામુહિક બળાત્કાર કરી તેના અંગ વિચ્છેદ કરવાના બનાવમાં તેમજ કચ્છના યુવાન વકીલની કરપીણ હત્યા કરવાના બનાવમાં સ્વયં સૈનિક દળે ધરણાંનો કાર્યક્રમ રાખતા આમોદ પોલીસે તેઓની અટકાયત કરતા દલિત સમાજમાં રોષ જોવા મળ્યો હતો.
ઉત્તરપ્રદેશના હાથરસમા દલિત દીકરી ઉપર સામુહિક બળાત્કાર કરવાની જઘન્ય ઘટનાને વખોડવા માટે આજ રોજ સ્વયં સૈનિક દળના યુવાનો આંબેડકર પ્રતિમા પાસે ધરણાં કરવા માટે એકઠા થયા હતા.ત્યારે આમોદ પોલીસે તેમના બેનરો પણ ઝૂંટવી લઈ તેમને પોલીસ ડબ્બામાં બેસાડી તેમની અટકાયત કરવામાં આવી હતી.જેથી સ્વંય સૈનિક દળના યુવાનોમાં રોષ જોવા મળ્યો હતો.
સ્વયં સૈનિક દળના યુવાનોએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓને રેલી કરવાની પરવાનગી તંત્ર આપતું હોય તો અમને દલિત દીકરીને ન્યાય આપવા માટે કેમ ધરણાં કરવાની પરવાનગી આપતું નથી.યુવાઓને વધુમાં જણાવ્યું હતું કે લોકશાહી દેશમાં અલગ અલગ માપદંડ કેમ રાખવામાં આવે છે. ભાજપના નેતાઓ રેલીઓ કાઢી હજારોની ભીડ ભેગી કરી શકે છે.
પરંતુ મર્યાદિત સંખ્યામાં ધરણાંનો કાર્યક્રમની પરવાનગી કેમ નહીં લોકશાહી દેશમાં લોકોના બંધારણીય હકોને દબાવવામાં આવી રહ્યાં છે.આમોદ પોલીસે ધરણાંનો કાર્યક્રમ નિષ્ફળ બનાવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.