હાથરસ કાંડ અંગે સુપ્રીમનો નિર્ણય : અલ્હાબાદ હાઇકોર્ટની દેખરેખ હેઠળ સીબીઆઇ તપાસ કરશે
નવી દિલ્હી, ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલી ગેંગરેપની ઘટનાએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું હતું. જેને લઇને મોટો વિવાદ પણ થયો હતો. એસઆઇટી અને સીબીઆઇ દ્વારા કેસની તપાસ ચાલી રહી છે. ત્યારે આ કેસમાં તમામ લોકોને સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ હતી. મંગળવારે સુપ્રીમ કોર્ટે હાથરસ કેસમાં પોતાનો નિર્ણ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે હવે હાથરસ કેસને અલ્લાહાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કર્યો છે. સીબીઆઇ હવે અલ્હાબાદ હાઇકોર્ટની દેખરેખ હેઠળ આ કેસની તપાસ કરશે.
સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ્ટ એસએ બોબડેની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની બેન્ચે કહ્યું કે હાથરસ પીડિત પરિવારની સુરક્ષા સાથે સાક્ષીઓની સુરક્ષા સાથે જોડાયેલી તમામ બાબતો હવે અલ્લાહાબાદ હાઇકોર્ટ જોશે. આ કેસની સ્ટેટસ રિપોર્ટ સીબીઆઇ હવે અલ્લાહાબાદ હાઇકોર્ટને આપશે. આ દરમિયાન હાઇકોર્ટા આ કેસને મોનિટર પણ કરશે. ઉત્તર પ્રદેશથી આ કેસને દિલ્હી ટ્રાન્સફર કરવાને લઇને સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેનો નિર્ણય બાદમાં કરવામાં આવશે.
કોર્ટે કહ્યું કે અત્યારે તો સીબીઆઇ તપાસ કરી રહી છે, જ્યારે સીબીઆઇ તપાસ પુરી થશે ત્યારે કેસને દિલ્હી ટ્રાન્સફર કરાવા અંગે નિર્ણય કરવામાં આવશે. હાથરસ કેસને લઇને સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં હાથરસ કેસની નિષ્પક્ષ તપાસ શક્ય નથી. આ તમામ દલીલ ઉપર સુપ્રીમ કોર્ટે હાલ પુરતુ પૂર્ણ વિરામ મુકી દીધું છે.