હાથરસ ગેંગરેપઃ પોલીસે જેને સળગાવી તે અમારી પુત્રી નથી, DM-SPનો નાર્કો ટેસ્ટ કરોઃ પીડિતા પરિવારજનો
નવી દિલ્હી/હાથરસ: ઉત્તર પ્રદેશ સ્થિત હાથરસમાં બળાત્કાર પીડિતાના પરિવારે શનિવારે ખાસ તપાસ ટીમ પર આરોપીઓ સાથે મળેલા હોવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ પરિવારે માંગણી કરી છે કે આની તપાસ સુપ્રીમ કોર્ટ ની દેખરેખ હેઠળ કરવામાં આવે.
દિવંગત 19 વર્ષીય યુવતીની માતાએ કહ્યુ કે, દીકરીના મોત બાદ પોલીસે તેમને મૃતદેહ નથી સોંપ્યો. તેણીએ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માંગણી કરી છે. પરિવારનું કહેવું છે કે તેમને SIT કે CBI પર વિશ્વાસ નથી. આ સાથે જ પરિવારે એવો પણ દાવો કર્યો કે, પોલીસે જે છોકરીના અંતિમ સંસ્કાર કર્યાં હતા તે અમારી છોકરી નથી!
માતાએ કહ્યું કે, ‘અનેક વિનંતી છતાં એ લોકોએ છોકરીનું શરીર જોવા દીધું ન હતું. અમે સીબીઆઈ તપાસ પણ નથી ઇચ્છતા. અમે ઇચ્છીએ છીએ કે મામલાની તપાસ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની દેખરેખ હેઠળ થાય. અમે નાર્કે ટેસ્ટ શા માટે કરાવીએ? અમે અમારું નિવેદન ક્યારેય નથી બદલ્યું.’ ઉલ્લેખનીય છે કે બે દિવસ પછી જિલ્લા તંત્રએ શનિવારે સવારે મીડિયાને હાથરસમાં પ્રવેશ કરવાની છૂટ આપી હતી.
મીડિયા સાથે વાતચીત કરતા પીડિતાની ભાભીએ કહ્યુ કે, “સૌથી પહેલા પોલીસે એ વાતનો ખુલાસો કરવો જોઈએ કે એ રાત્રે કોના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એ અમારી છોકરીનું શરીર ન હતું, અમે તેનો જોઈ નથી. અમે નાર્કો ટેસ્ટ શા માટે કરાવીએ? અમે સાચું કહી રહ્યા છીએ. અમે ન્યાય માંગી રહ્યા છીએ. ડીએમ અને એસપીનો નાર્કો ટેસ્ટ કરવરામાં આવે. એ લોકો ખોટું બોલી રહ્યા છે.”
મૃતકના દાદા અંતિમ સંસ્કારમાં હાજર રહેવાના સમાચારોનું ખંડન કરતા મૃતકની ભાભીએ કહ્યું કે, “છોકરીના દાદાનું વર્ષ 2006માં નિધન થયું છે. કોઈ કઈ રીતે દાવો કરી શકે તે તેઓ અંતિમ સંસ્કારમાં હાજર હતા?”મહિલાએ વધુમાં દાવો કર્યો કે,”કાલે (શુક્રવારે) એસઆઈટી અમારા ઘરે ન્હોતી આવી. સીટની ટીમ ગુરુવારે આવી હતી. ટીમ સવારે નવ વાગ્યાથી બપોરના 2.30 વાગ્યા સુધી અહીં હતી. જિલ્લા કલેક્ટર સતત એવું કહી રહ્યા છે કે છોકરીનું મોત કોરોના વાયરસને કારણે થયું હતું, આ કારણે અમને મીડિયા સાથે વાતચીત કરવાથી અને બહાર જતા રોકવામાં આવી રહ્યા છે. અમારી છોકરીનું શરીર અમને શા માટે ન બતાવવામાં આવ્યું? અમે સીટ પર વિશ્વાસ ન કરી શકીએ, કારણ કે સીટની તંત્ર સાથે મિલીભગત છે.”