હાથીજણ સર્કલ નજીક કારમાં આગ લાગતાં ફસાયેલાં કારચાલક ભડથું
અમદાવાદ: શહેરનાં હાથીજણ વિસ્તારમાં આવેલાં સર્કલ નજીક આજે વહેલી સવારે એક કારમાં આગ લાગતાં કારચાલક તેમાંથી બહાર નીકળી ન શકતાં તે આગમાં ભડથું થઈ ગયો હતો. બાદમાં ફાયર બ્રિગેડનો સ્ટાફ પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. જાકે, ત્યાં સુધીમાં કારચાલકનું મૃત્યુ થઈ ગયું હતું. મારૂતી સુઝુકી કંપનીની એસ .ક્રોસ ડીઝલ ગાડીમાં મનોજભાઈ સોની નામનો વ્યક્તિ ડિઝલ ભરાવીને ઘર તરફ જઈ રહ્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે.
થોડા સમય અગાઉ પણ ભાટ ગામ નજીક મારૂતી સુઝુકીની બાલેનો ગાડીમાં પણ આવો જ એક બનાવ બન્યો હતો. જેમાં પણ ચાલક ગાડીમાંથી ઉતરી શક્યો ન હતો અને તેનું કરૂણ મોત ગાડીમાં જ નિપજ્યુ હતું. અવારનવાર બની રહેલા આવા બનાવોને કારણે કાર ચાલકો પણ ચિંતીત બન્યા છે.
હાથીજણ સર્કલની આગળ આશરે ૩ કિ.મી. દૂર આવેલાં રાધે ઉપવનની સામે મહેમદાવાદ હાઈવે રોડ ઉપર એક કારમાં વહેલી સવારે આગ લાગી હતી. કારમાં લાગેલી આગને પગલે રાહદારીઓ અને આસપાસનાં રહીશો એકત્ર થઈ ગયા હતાં અને કારની આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યાે હતો.
જાકે આગ એટલી વિકરાળ હતી કે કાબૂમાં લઈ શક્યા ન હતા દરમિયાન ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. પરંતુ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચે એ પહેલાં જ સમગ્ર કાર અને કારમાં ફસાયેલાં ચાલક ભડથું થઈ ગયા હતાં. ઘટનાનાં સમાચાર મળતાં સ્થાનિક પોલીસ પણ પહોંચી ગઈ હતી અને હવે કારચાલક વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન શરૂ કર્યાે છે. જાકે હજુ સુધી કારચાલકની જાણકારી મળી શકી નથી. પરંતુ સૂત્રોનાં જણાવ્યા અનુસાર આ કારચાલક મનોજ સોની નામનો યુવાન હતો.