હાથીજણ સ્થિત ડીપીએસ સ્કૂલ રાજ્ય સરકારે પોતાનાં હસ્તક લીધી
ગાંધીનગર, ડીપીએસ સ્કૂલની માન્યતા રદ કરવામાં આવતાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ડીપીએસ સ્કૂલની બહાર જ ઉગ્ર દેખાવો કરી રાતભર કડકડતી ઠંડીમાં ધરણાં કરતાં રાજ્ય સરકાર સફાળી જાગી છે. આ મુદ્દે આજે સીબીએસસીના અધિકારીઓ ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. અને સૌ પ્રથમ ગાંધીનગરમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. માન્યતા રદ કરવાનાં નિર્ણયથી ભભૂકી ઉઠેલાં રોષને જોતાં તાત્કાલિક આ અંગે ઘટતું કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી.
શહેરભરમાં ડીપીએસ સ્કૂલના મુદ્દાને લઈને ઘેરા પ્રત્યાઘાતો પડતાં આખરે આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સઘન ચર્ચા વિચારણા કરી હતી અને આખરે વિદ્યાર્થીઓનાં ભાવિને ધ્યાનમાં રાખી ડીપીએસ સ્કૂલ હાલ પૂરતી રાજ્ય સરકાર હસ્તક લેવાની નિર્ણય લેવામાં આવ્યો છે. તેનાં પગલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ જાહેરાત કરી હતી. સરકારની આ જાહેરાતથી વાલીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે અને ફરી એકવખત ડીપીએસ સ્કૂલ ધમધમતી થઈ જશે.