હાનિકારક પ્રદૂષણ રોકવા માટે અધિકૃત બનાવટવાળા ફટાકડા જ ફોડી શકાશે
તાપી જિલ્લા પ્રશાસને જાહેરનામું જારી કર્યું
વ્યારા: આગામી દિવાળી સહિતના તહેવારો કે અન્ય પ્રસંગોએ ફોડવામાં આવતા ફટાકડા સંબંધે, નામદાર સુપ્રીમ કોર્ટમાં આ અગાઉ દાખલ થયેલી રીટ પિટિશન અન્વયે, સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવા બાબતે કેટલીક સ્પસ્ટ સૂચનાઓ સાથે માર્ગદર્શિકા બહાર પાડી છે. જેના પાલન અર્થે તાપીના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી.બી.વહોનીયાએ એક જાહેરનામું જારી કરી, કેટલાક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. જેનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ જાહેરનામાં મુજબ,
- દિવાળીના તહેવારો દરમિયાન રાત્રિના 8 થી 10 વાગ્યા દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે.
- સિરીઝમાં જોડાયેલા ફટાકડા (લૂમ ;Series Cracker or Laris)થી મોટા પ્રમાણમા હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા સર્જાતી હોઈ, ફ્ટકદાની લૂમ રાખી, ફોડી કે વેચી શકાશે નહિ.
- હાનિકારક ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે માત્ર PESO સંસ્થા દ્વારા અધિકૃત બનાવટવાળા, અને માન્ય ધ્વનિ સ્તર (Decibel Level) વાળા જ ફટાકડા વેચી/વાપરી શકાશે. PESO દ્વારા એવા અધિકૃત/માન્ય ફટાકડાના બોક્સ ઉપર PESO ની સૂચના પ્રમાણેનું માર્કિંગ હોવું જરૂરી છે.
- હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની 100 મીટરની ત્રિજ્યા વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવતો હોઈ, અહી કોઈ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહિ.
- કોઈ પણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહીં, રાખી શકાશે નહીં, કે વેચાણ કરી શકાશે નહીં.
- ઈ કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ, એમેઝોન સહિતની કોઈ પણ ઈ કોમર્સ વેબસાઇટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઈન ઓર્ડર લઈ શકશે નહીં, કે ઓનલાઈન વેચાણ કરી શકશે નહીં.
- લોકોને અગવડ ઊભી ન થાય, તથા કોઈ પણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે, તાપી જિલ્લાના શેરી, મહોલ્લાઓ, ગલીઓ, જાહેર માર્ગો, પેટ્રોલ પંપ, એલ.પી.જી. બોટલિંગ પ્લાંટ્સ, ગેસના સ્ટોરેજ કે અન્ય સળગી ઊઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો નજીક ફટાકડા ફોડી શકાશે નહિ.
- કોઈ પણ પ્રકારના સ્કાય લેંટર્સ (ચાઇનિસ તુક્કલ, આતશબાજ બલૂન)નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહીં, તેમજ કોઈ પણ સ્થળે ઉડાડી શકાશે નહીં