હાપુરમાં ફેક્ટરીમાં બોઈલર ફાટતાં આઠ મજૂરનાં મોત
હાપુર, યુપીના હાપુરના ધૌલાના યુપીએસઆડીસી વિસ્તારમાં શનિવારે એક કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટ્યું હતું. આ દુર્ઘટનામાં ૮ મજૂરોના મોત થયા હોવાનું કહેવાય છે. પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફેક્ટરીનું નામ ક્રિષ્ના ઓર્ગેનિક કંપની છે. પોલીસના જણાવ્યા અનુસાર બાકીના તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે અંદર કેટલાક વધુ મજૂરો ફસાયા છે. સીએમ યોગી આદિત્યનાથે આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે.
જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં ૮ મજૂરોના મોત થયા છે. આ સિવાય ૨૦ જેટલા મજૂરો પણ ઘાયલ થયા છે. કેમિકલ ફેક્ટરીમાં હજુ પણ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા હતી. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે વિસ્ફોટ એટલો જાેરદાર હતો કે તેનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર વિસ્ફોટ એટલો જાેરદાર હતો કે આસપાસની અનેક ફેક્ટરીઓની છત ઉડી ગઈ હતી. પોલીસ પ્રશાસન અને ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય શરૂ કર્યું અને ઘણા લોકોને ત્યાંથી બચાવ્યા.
પોલીસના જણાવ્યા અનુસાર, હાપુરના ધૌલાના પોલીસ સ્ટેશન વિસ્તારના યુપીએસઆડીસી (ઔદ્યોગિક વિસ્તાર)માં સીએનજી પંપની પાછળ આવેલી ક્રિષ્ના ઓર્ગેનિક કંપનીમાં શનિવારે બોઈલર ફાટ્યો હતો, જેના કારણે ત્યાં આગ લાગી હતી. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ટિ્વટર પર આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોની આત્માની શાંતિની કામના કરતા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
યોગીએ જિલ્લા પ્રશાસનના અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્ય હાથ ધરવા અને પરિવારના સભ્યોને શક્ય તમામ મદદ આપવાનો નિર્દેશ આપ્યો છે. હાપુરના પોલીસ અધિક્ષક દીપક ભુકરે જણાવ્યું કે રાહત કાર્ય ઝડપી કરવામાં આવ્યું છે. ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.SS2KP