હાફિઝ સઈદના ઘરે હુમલામાં ભારતનો હાથ : પાક.એનએસએ
ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં ૨૩ જૂને લાહૌરમાં આતંકી હાફિઝ સઈદના ઘરની નજીક એક વિસ્ફોટ થયો હતો. તેમાં ૩ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ૨૪ ઘવાયા હતા. હવે આ મામલે ત્યાંના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) મોઈદ યુસુફે આરોપ મૂક્યો છે કે આ હુમલા પાછળ ભારતનો હાથ છે. લાહૌરના જાેહર ટાઉનમાં થયેલા વિસ્ફોટની તપાસ દરમિયાન એકઠાં કરાયેલા પુરાવા ભારત સમર્થિત આતંકવાદ તરફ ઈશારો કરે છે.
ડૉન અખબારના અહેવાલ અનુસાર મોઈદે રવિવારે એક પત્રકાર પરિષદ યોજી આરોપ મૂક્યો હતો કે હુમલાનો મુખ્ય ષડયંત્રકાર એક ભારતીય નાગરિક છે. તે ભારતીય ગુપ્તચર એજન્સી રૉના સંપર્કમાં છે. પોલીસ મહાનિરીક્ષકે મને જણાવ્યું કે અમારી પાસે રૉની સંડોવણીની ગુપ્ત જાણકારી છે. એટલા માટે કોઈ શંકા વિના એમ કહેવા માગુ છું કે હુમલો ભારત સમર્થિત આતંકવાદનો પુરાવો છે.