હાર્દિકને નવી જવાબદારી અપાતા કોંગ્રેસમાં અસંતોષ
ગાંધીનગર: પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલને વર્િંકગ પ્રેસિડેન્ટ બનાવાતા ગુજરાત ક્રોંગ્રેસમાં વિરોધના સૂર ઊભા થઈ રહ્યા છે. એકબાજુ યુવાનોનું નાનું ગ્રુપ આ વાતથી ઉત્સાહીત છે, ત્યારે સીનિયર નેતાઓનું માનવું છે કે આ નિર્ણયથી પાર્ટીને લાભ કરતા નુકસાન વધારે થશે. વિપક્ષ નેતા પરેશ ધાનાણી જેઓ પોતે પણ પાટીદાર સમાજનો ચહેરો છે,
તેમના માટે ૨૭ વર્ષના યુવા નેતા હાર્દિક પટેલ પડકાર આપનાર તરીકે સામે આવી શકે છે. પાર્ટીના અંદરના લોકોનું કહેવું છે કે, હાર્દિક પટેલની નિમણૂંકથી પાટીદાર સમાજના નેતૃત્વમાં સમસ્યા ઊભી થશે. પાર્ટીમાં ત્રણ દાયકાથી પણ વધુ સમયથી જોડાયેલા કોંગ્રેસના પીઢ નેતાએ કહ્યું, અમારી ઉંમરના ઘણા લોકો હાર્દિક પટેલ હેઠળ કામ કરવામાં ઉત્સાહી નથી. પાર્ટી માટે વોટ એકઠા કરવા તે અલગ બાબત છે અને ખોટા કારણોથી મીડિયામાં ધ્યાને આવવું અલગ. પાટીદાર આંદોલનથી કોંગ્રેસે લાભ મેળવ્યો,
પરંતુ હવે તે ભૂતકાળની વાત થઈ ગઈ. જાતિ અને સમુદાયના આધારે મતદાતાઓનો પ્રેમ મેળવવો મુશ્કેલ છે. પાર્ટીમાં સત્તા માટેની ખેંચતાણ વચ્ચે કોંગ્રેસના સૂત્રોએ કહ્યું કે, હાર્દિક વિપક્ષ નેતા પરેશ ધાનાણીને પડકાર આપનાર તરીકે સામે આવ્યો છે, જેઓ પાર્ટીમાં મજબૂત પાટીદાર નેતા તરીકે જોવાય છે. હાર્દિક સ્પષ્ટપણે જનતાને આકર્ષવા સક્ષમ છે. ઘણા ધારાસભ્યો હાર્દિકની સાથે છે અને આગામી દિવસોમાં પરેશ ધાનાણીને પોતાનું સ્થાન જાળવી રાખવામાં મુશ્કેલી પડી શકે છે.
કોંગ્રેસના અન્ય સીનિયર નેતાએ કહ્યું- હાર્દિક પટેલની પાટીદાર સમાજમાં હાર્ડલાઈનર ઈમેજ અમારા માટે મોટી સમસ્યા છે. એસ.સી, એસ.ટી અને ઓબીસી સમાજ પહેલાથી કોંગ્રેસની વોટબેન્ક રહ્યા છે. તેને વર્કીંગ પ્રેસિડેન્ટ બનવાથી અન્ય સમાજના લોકો તથા નેતાઓ નાખુશ થઈ શકે છે. જોકે ૨૦૨૨માં કોંગ્રેસને તેનાથી લાભ થાય છે કે નુકસાન તે હવે જાેવાનું રહ્યું છે.