હાર્દિકે પ્રચાર ઘણો કર્યો, પણ કોંગ્રેસને કશોય ફાયદો ન થયો
અમદાવાદ: હાર્દિક પટેલ પોતાની સભામાં ભીડ તો ઘણી ભેગી કરી શકે છે, પરંતુ શું તે ભીડ વોટમાં પરિણમે છે ખરી? આ સવાલ ગુજરાતની આઠ વિધાનસભા બેઠકો પર થયેલી પેટાચૂંટણી બાદ ફરી એક વાર સર્જાયો છે. કારણકે, આઠ બેઠકો પર થયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસ એકાદ બેઠક પણ માંડ જીતી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. પેટાચૂંટણી પહેલા જ કોંગ્રેસે હાર્દિક પટેલને કાર્યકારી પ્રમુખ બનાવ્યો હતો. હાર્દિકે પેટાચૂંટણીમાં અનેક વિસ્તારોમાં ફરીને પ્રચાર માટે મહેનત પણ ખૂબ કરી હતી.
જોકે, આઠ વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસને એકાદ બેઠક પણ માંડ મળે તેવી શક્યતા છે. અત્યારસુધીની મત ગણતરી પ્રમાણે માત્ર મોરબી બેઠક પર જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કકર ચાલી રહી છે. તેમાંય ભાજપના ઉમેદવાર આગળ જ ચાલી રહ્યા છે. આ સિવાયની સાત બેઠકો પર પણ ભાજપની સ્થિતિ ધારી બેઠકને બાદ કરતા ઘણી મજબૂત છે. લીંબડી, કપરડા, ડાંગ અને ગઢડા બેઠક પર ભાજપના ઉમેદવારોની લીડ ઘણી મજબૂત બની છે. રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ઉમેદવારોએ રાજીનામાં ધરી દેતા આઠ બેઠકો ખાલી પડી હતી. કોંગ્રેસ છોડીને આવેલા ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા હતા,
જેમાંથી પાંચને વિધાનસભા ચૂંટણીની ટિકિટ અપાઈ હતી. હાર્દિકે અને કોંગ્રેસે પક્ષપલ્ટૂઓને જનતા જાકારો આપે તે માટે આ મુદ્દે ઘણો પ્રચાર કર્યો હતો, પરંતુ જનતાએ પક્ષપલ્ટુઓને સ્વીકારી લીધા હોય તેવું હાલ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં પણ હાર્દિકે ભાજપ વિરુદ્ધ જોરદાર પ્રચાર કર્યો હતો. અનામતના મુદ્દાને ઉઠાવી તેણે ઠેર-ઠેર સભાઓ ગજવી હતી. જોકે, મહેસાણા અને સુરત જેવા પાટીદારોના ગઢ ગણાતા મતક્ષેત્રોમાં પણ ભાજપનો વિજય થયો હતો.
આ ઉપરાંત, હાર્દિકે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ માટે પ્રચાર કર્યો હતો. તે પોતે પણ જામનગર બેઠક પરથી ચૂંટણી લડવા માગતો હતો, પરંતુ વિસનગરમાં તોડફોડના કેસમાં સજા થતાં તે ચૂંટણી નહોતો લડી શક્યો. અલ્પેશ ઠાકોરે પણ કોંગ્રેસ છોડી દીધા બાદ હાર્દિકની ગણના પક્ષના યુવા તેમજ ભીડ એકઠી કરી શકે તેવા નેતાઓમાં થાય છે. હાર્દિક પોતાની સભામાં ભીડ એકઠી કરી શકે છે, અને સોશિયલ મીડિયા પર પણ ખાસ્સો એક્ટિવ રહે છે. પરંતુ, તેના ભાષણ સાંભળવા આવતા લોકો કોંગ્રેસને મત કેમ નથી આપતા તે સવાલ કદાચ કોંગ્રેસના નેતાઓને પણ થઈ રહ્યો હશે.