હાર્દિક પંડ્યા પુત્રને બોટલથી દૂધ પીવડાવતો જાેવા મળ્યો
મુંબઈ: ટીમ ઈન્ડિયાનો ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યા લગભગ ૪ મહિના બાદ દીકરા અગસ્ત્યને મળ્યો છે. ૨૭ વર્ષીય ક્રિકેટર સૌપ્રથમ આઈપીએલ ૨૦૨૦ રમવા માટે દુબઈ ગયો હતો. હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સની ટીમ તરફથી આઈપીએલમાં રમે છે. આઈપીએલ પૂરી થયા બાદ ટીમ ઈન્ડિયા સાથે ઓસ્ટ્રેલિયાની ટૂર પર ગયો હતો.
ઓસ્ટ્રેલિયા સામેની ટી-૨૦ સીરિઝ પૂરી થયા પછી હાર્દિક ભારત પરત આવી ગયો છે. રાષ્ટ્રીય ફરજ નિભાવ્યા પછી હાર્દિક પિતાની ભૂમિકા ભજવી રહ્યો છે. હાલમાં જ હાર્દિકે સોશિયલ મીડિયા અકાઉન્ટ પર દીકરા અગસ્ત્ય સાથેની એક તસવીર શેર કરી છે.
જેમાં તે દીકરાને બોટલ દ્વારા દૂધ પીવડાતો જાેવા મળે છે. અગસ્ત્ય સાથેની આ તસવીર શેર કરતાં હાર્દિકે લખ્યું, નેશનલ ડ્યૂટી બાદ પિતાની ફરજ પર?? હાર્દિક અને અગસ્ત્યની આ તસવીર પર નતાશા સ્ટેનકોવિક, રાશિદ ખાન, મુનાફ પટેલ, હેરસ્ટાઈલિસ્ટ આલિમ હકીમ સહિતના સેલેબ્સ પ્રેમ વરસાવી રહ્યા છે અને ફોટોગ્રાફને પર્ફેક્ટ ગણાવી રહ્યા છે. હાલમાં જ હાર્દિક પંડ્યા પોતાના પરિવાર પાસે પરત આવ્યો છે ત્યારે તેની પત્ની અને એક્ટ્રેસ નતાશાએ પણ અગસ્ત્ય સાથેનો તેનો એક વિડીયો શેર કર્યો હતો. જેમાં હાર્દિક દીકરાને ખોળામાં બેસાડીને રમાડતો જાેવા મળે છે.
પિતાના ખોળામાં અગસ્ત્ય ખૂબ ક્યૂટ લાગે છે. ઉલ્લેખનીય છે કે, ૩૦ જુલાઈ ૨૦૨૦ના રોજ હાર્દિક અને નતાશાના દીકરા અગસ્ત્યનો જન્મ થયો હતો. દીકરો લગભગ એક મહિનાનો હતો ત્યારે જ હાર્દિકને તેને મૂકીને આઈપીએલ રમવા ગયો હતો અને ત્યારબાદ ઈન્ડિયન ક્રિકેટ ટીમ સાથે ઓસ્ટ્રેલિયાની ટૂર પર હતો. જાે કે, નતાશા ઘરે રહીને દીકરા સાથે મળીને હાર્દિક પંડ્યાને ચિયર કરતી હતી. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી નતાશા સ્ટેનકોવિક અવારનવાર દીકરા સાથે મેચ જાેતી તસવીરો શેર કરતી હતી.
આ ઉપરાંત નતાશા દીકરા સાથે ડાન્સ કરતાં, તેને નર્સરીની કવિતાઓ સંભળાવતા, તેની સાથે કાલીઘેલી ભાષામાં વાતો કરતાં વિડીયો પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરતી રહે છે. નતાશાએ દીકરાની મંથલી બર્થ ડે પણ સેલિબ્રેટ કરી હતી. અગસ્ત્ય ચાર મહિનાનો થયો ત્યારે ખાસ કેક મગાવીને સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. હવે હાર્દિક બિઝી ક્રિકેટિંગ શિડ્યુલ પૂરું કરીને આવ્યો છે ત્યારે પિતા-પુત્રની મસ્તીભરી તસવીરો અને વિડીયો જાેવા મળતા રહેશે.