હાર્દિક પટેલ વિરમગામથી ચૂંટણી લડવાનું જાેખમ લેશે કે કેમ એ શંકા
અમદાવાદ, કોંગ્રેસ છોડ્યાના બીજા જ દિવસે હાર્દિકે પત્રકાર પરિષદ બોલાવીને કોંગ્રેસ પર એકથી એક પ્રહારો કર્યા. જાણે સવા ત્રણ વર્ષ સુધીની ભડાશ એક જ દિવસમાં કાઢી હોય તેમ હાર્દિક પટેલ કોંગ્રેસ પર પ્રહારો કરતા સતત ૩૩ મિનિટ સુધી એક સેકન્ડ પણ રોકાયા વિના બોલતા રહ્યા.
હાર્દિકે આજની પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીની ‘ચિકન સેન્ડવિચ’થી લઈને પ્રદેશ કોંગ્રેસના નેતાઓની નિષ્ક્રિયાને નિશાન બનાવી. સાથે જ તેણે એ વાતનો પણ સ્પષ્ટ સંકેત આપી દીધો કે કોંગ્રેસ છોડીને તેની રાજકીય સફરનો અંત નહીં, પરંતુ એક નવો વળાંક આવ્યો છે.
હાર્દિક ભલે હાલ પૂરતું કંઈ બોલવા તૈયાર ના હોય પરંતુ તેનું ભાજપમાં જાેડાવાનું લગભગ નક્કી મનાઈ રહ્યું છે, એટલું જ નહીં હાર્દિક થોડા મહિનામાં થનારી વિધાનસભા ચૂંટણી લડવા માટે પણ તૈયાર છે.
હાર્દિકના હોમગ્રાઉન્ડ વિરમગામની વિધાનસભા બેઠક પર હાલ કોંગ્રેસનો કબજાે છે. ૨૦૧૭માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં વિરમગામ બેઠક પરથી ભાજપે તેજશ્રીબેન પટેલને ટિકિટ આપી હતી.
તેજશ્રીબેન ગત ચૂંટણીના થોડા મહિના પહેલા જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જાેડાયા હતા, અને ચૂંટણી લડ્યા હતા. જાેકે, વિરમગામની જનતાએ તેમને જાકારો આપીને કોંગ્રેસના ઉમેદવાર લાખાભાઈ ભરવાડને જીતાડ્યા હતા.
આમ, આ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂકેલા તેજશ્રીબેનને ટિકિટ આપી વિરમગામની બેઠક પર કબજાે કરવાનો ભાજપનો ગેમપ્લાન સફળ નહોતો થઈ શક્યો. હવે હાર્દિક ભાજપમાં જાેડાવાની તેમજ ચૂંટણી લડવાની પૂરી તૈયારી કરી રહ્યો છે ત્યારે સવાલ એ છે કે શું તે વિરમગામ પર ચૂંટણી લડવાનું રિસ્ક લેશે?
વિરમગામ બેઠકના અત્યારસુધીના પરિણામો પર નજર કરીએ તો ૧૯૮૫થી છેક ૧૯૯૫ સુધી આ બેઠક ભાજપના કબજામાં હતી. ત્યારબાદ ૧૯૯૮માં થયેલી ચૂંટણીમાં તેના પર કોંગ્રેસના ઉમેદવાર પ્રેમજીભાઈ વડલાણી જીત્યા હતા.
જાેકે, ૨૦૦૨માં ફરી ભાજપના ઉમેદવાર વજુભાઈ ડોડિયાનો તેના પર વિજય થયો હતો, ત્યારબાદ ૨૦૦૭માં ભાજપના કમાભાઈ રાઠોડ તેના પર જીત્યા હતા. જાેકે, ૨૦૧૨માં ભાજપના ઉમેદવાર પ્રાગજી પટેલને હરાવી કોંગ્રેસના તેજશ્રીબેન પટેલ વિજયી થયા હતા. ૨૦૧૭માં તેજશ્રીબેન આ બેઠક પરથી ભાજપની ટિકિટ પર લડીને હાર્યા હતા.
પક્ષાંતર કરનારા તેજશ્રીબેન પટેલને ૨૦૧૭માં વિરમગામની જનતાએ હરાવ્યા હતા ત્યારે હાર્દિક પટેલ પોતાના હોમગ્રાઉન્ડમાં રાજકીય કારકિર્દીની પહેલી ચૂંટણી લડવાનું રિસ્ક લેશે કે કેમ તે મોટો સવાલ છે. છેલ્લી બે ચૂંટણીમાં અહીં કોંગ્રેસ જીતી છે, ત્યારે જાે આ વખતે કોંગ્રેસ છોડી બીજા પક્ષમાં જનારા હાર્દિકને પણ અહીંની જનતા જાકારો આપે તો નવાઈ નહીં.
૨૦૧૯ની લોકસભા ચૂંટણી લડવા માટે હાર્દિક પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે પણ તે જામનગરથી ચૂંટણી લડી શકે તેવી જાેરદાર અટકળો હતી. ખેર, તે વખતે કાયદાકીય પ્રશ્નોને કારણે હાર્દિક ચૂંટણી જ નહોતો લડી શક્યો. પરંતુ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી લડવાનો રસ્તો તેના માટે સાફ છે.
વળી, ચૂંટણી ટાણે જ તેણે કોંગ્રેસ છોડીને તેની ટીકા કરવામાં કશુંય બાકી નથી રાખ્યું. તેનું ભાજપમાં જાેડાવાનું લગભગ નક્કી છે ત્યારે હવે જાેવાનું એ રહે છે કે હાર્દિક વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડવાનું રિસ્ક લેશે કે પછી પોતાના માટે કોઈ સલામત બેઠક શોધશે?ss2kp